Friday, February 27, 2026
Homeરાજ્યહાલારદ્વારકા હાઇવે પર ગેરકાયદેસર બાંધકામો પાડતોડ અવિરત

દ્વારકા હાઇવે પર ગેરકાયદેસર બાંધકામો પાડતોડ અવિરત

લાંબા સમયથી ગેરકાયદેસર કબ્જો : ગેરકાયદેસર કાચા તથા પાકા બાંધકામો દૂર કરવા કાર્યવાહી : આજે બીજા દિવસે હાથી ગેટથી ઈસ્કોન ગેટ સુધીના માર્ગ પર કામગીરી

યાત્રાધામ દ્વારકા ખાતે વહીવટી તંત્ર દ્વારા ફૂલડોલ ઉત્સવને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ખાસ ઝુંબેશ ગુરુવારે બીજા દિવસે પણ યથાવત રાખવામાં આવી હતી. શહેરમાંથી પસાર થતાં હાઈવે માર્ગો પર લાંબા સમયથી કબજો જમાવી બેઠેલા દબાણકારો સામે તંત્રએ કડક વલણ અપનાવતા હાઈવે ઓથોરીટીની જમીન પરના કાચા તેમજ પાકા બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

દ્વારકામાં હાથી ગેટથી ઇસ્કોન ગેટ સુધીના હાઈવે સંલગ્ન વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી મશીનોની મદદથી માર્ગમાં અવરોધરૂપ બનેલા શેડ, લારીઓ, કેબિન તેમજ અન્ય ગેરકાયદેસર માળખાંને જમીનદોસ્ત કરવામાં આવ્યા. કામગીરી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. તંત્રની આ સખ્ત કાર્યવાહીથી દબાણકર્તાઓમાં દોડધામ અને ગભરાટનો માહોલ સર્જાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ હાઈવે તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં સરકારી જમીન પરના ગેરકાયદેસર કબજા સામે કાર્યવાહી તેજ બનવાની શક્યતા છે. શહેરના કોમર્શિયલ તથા રહેણાંક વિસ્તારોમાં આવેલા સરકારી પ્લોટ્સ પર કબજો કરનારા 40 થી વધુ એકમોને નોટિસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. નોટિસનો સમયગાળો પૂર્ણ થયા બાદ જરૂરી પગલાં લેવામાં આવશે.

- Advertisement -

ફૂલડોલ ઉત્સવ દરમિયાન યાત્રાળુઓની વધતી અવરજવર અને ટ્રાફિકની સુગમતા જળવાઈ રહે તે હેતુથી તંત્ર આ કામગીરીને પ્રાથમિકતા આપી રહ્યું છે. માર્ગો અવરોધમુક્ત બનતા સ્થાનિકો તેમજ યાત્રાળુઓને રાહત મળી રહી છે.
વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરાયું છે કે, સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે અને ભવિષ્યમાં પણ આવી ઝુંબેશ સમયાંતરે ચાલુ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular