જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે. આ મહામારીને કારણે જામનગરમાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં આજે સાંજની સ્થિતિ મુજબ 1232 બેડની ક્ષમતાની સામે 2000 દર્દીઓ સારવાર હેઠળ છે. ઉપરાંત વધુ ગંભીર પરિસ્થિતિ એ છે કે, 60-60 એમ્બ્યુલન્સો વેઇટીંગમાં હોસ્પિટલની બહાર ઉભી છે. તેમજ દર 3 મીનીટે રાજકોટ અને મોરબીથી એક એમ્બ્યુલન્સ અહીંની હોસ્પિટલમાં આવે છે. જેના કારણે જામનગરના ગંભીર કોવિડ દર્દીઓ માટે અહીંની હોસ્પિટલમાં બેડ ખાલી નથી હોતા…! જામનગરની આ પરિસ્થિતિ માત્રને માત્ર રાજકોટ શહેર અને જિલ્લાના કારણે ઉદભવી છે. સરકાર દ્વારા મુખ્યમંત્રીના મીની મેટ્રોસીટી એવા રાજકોટમાં જ જો ત્યાંના કોવિડ દર્દીઓ માટે આગોતરા આયોજન કરવામાં આવ્યું હોત તો આજે જામનગરની જી.જી.હોસ્પિટલમાં આ ગંભીર પરિસ્થિતિ ન હોત અને જામનગરના દર્દીઓની કફોડી સ્થિતિ ન સર્જાત …!
આજે સાંજે જામનગર કલેકટર રવિશંકર દ્વારા ગુરૂ ગોવિંદસિંઘ કોવિડ હોસ્પિટલમાં 1232 બેડની સામે 2000થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. તમેજ 60થી વધુ એમ્બ્યુલન્સના દર્દીઓ કતારમાં હતા ઉપરાંત દર 3-5 મીનીટે રાજકોટ અને મોરબીથી એક એમ્બ્યુલન્સ અહીંની હોસ્પિટલમાં આવે છે. હાલની આ ગંભીર પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે ઓછામાં ઓછા 4 દિવસનો સમય લાગશે. તેમ જણાવ્યું હતું. અને અહીંની આ હોસ્પિટલના એકપણ બેડ ખાલી ન હોવાથી અન્ય જિલ્લાના દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં સારવાર લેવા જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. જો કે આ સ્થિતિ આજની નથી પરંતુ છેલ્લા એક માસથી સતત થતાં ડબલ મ્યુટેશનના કારણે વધતાં કોરોના પોઝિટીવ કેસોના વધારાના કારણે સર્જાય છે. અને જામનગર શહેર તથા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણનો આંકડો રેકોર્ડબ્રેક બનતો જાય છે. આજ સ્થિતિ જો યથાવત રહી તો જામનગરના તંત્ર દ્વારા નવી કરવામાં આવેલી વ્યવસ્થા પણ ગણતરીના કલાકોમાં ભરાય જશે અને જામનગરના જ દર્દીઓને જામનગરની હોસ્પિટલમાં જગ્યા નહીં મળે…! દુ:ખદ બાબત એ છે કે રાજકોટ શહેર અને જિલ્લા તથા મોરબી જિલ્લાના કોવિડના દર્દીઓ માટેની ત્યાંના વહીવટી તંત્ર દ્વારા જો રાજકોટ અને મોરબી જેવા આર્થિક સક્ષમ શહેરોમાં જો નવા કોવિડના બેડની વ્યવસ્થા કરવામાં આવે તો રાજકોટ અને મોરબી ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રના કોવિડના દર્દીઓને યોગ્ય સમયે સારી સારવાર મળે અને સૌરાષ્ટ્રમાં કોવિડથી થતાં મૃત્યુનો આંક નીચો આવે પરંતુ રાજકોટ અને મોરબીમાં તંત્ર દ્વારા આ પ્રકારના આગોતરા કોઇપણ આયોજન કરવામાં આવ્યા ન હોવાથી રાજકોટ અને મોરબીના કોવિડના દર્દીઓનો ભોગ જામનગર શહેર અને જિલ્લાના દર્દીઓએ બનવુ પડે છે. અને જામનગર જિલ્લામાં મૃત્યુઆંક પણ ચિંતાજનક રીતે સતત વધી રહ્યો છે.
ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલના તબીબ સ્ટાફ દ્વારા કરવામાં આવતી સારવારની જેટલી પણ સરાહના કરવામાં આવે તેટલી ઓછી છે. કેમ કે ગત વર્ષે પણ અહીંના કર્તવ્યનિષ્ઠ તબીબોને કોરોના મહામારીમાં સરકાર દ્વારા અમદાવાદ અને રાજ્યના અન્ય શહેરોમાં ફરજિયાત તબીબી સેવાઓ માટે મોકલવામાં આવ્યા હતા. સરકારની આ અણઆવડત અને આયોજન વગરના નિર્ણયોને કારણે જામનગરના અનેક તબીબો કોરોનાથી સંક્રમિત થયા હતા અને જેના કારણે આ તબીબો જામનગરની હોસ્પિટલમાં સેવા આપી શક્યા ન હતા. હાલ પણ રાજકોટ અને મોરબીના કોવિડના અસંખ્ય દર્દીઓ જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. જેના કારણે આ હોસ્પિટલની પરિસ્થિતિ વધુ કથળી છે. સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે આર્થિક રીતે જામનગર કરતા અનેક ગણા સક્ષમ અને સમૃધ્ધ એવા રાજકોટ અને મોરબી જિલ્લામાં જો કોવિડના વધુ બેડની વધારાની સુવિધાઓ ઉભી કરવામાં નહીં આવે તો “ઘરના ઘંટી ચાટે અને ગામના લોટ ખાઇ” તેવી પરિસ્થિતિ જામનગરવાસીઓ માટે રાહ જોઇ રહી છે.
રાજ્યના મુખ્યમંત્રીના શહેર એવા રાજકોટમાં પણ કોરોના સંક્રમણ અતીશય ઝડપી વકરતું જાય છે. અને ત્યાંની પરિસ્થિતિ પણ અતિશય વિકટ બની રહી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં દરરોજ 700થી વધુ પોઝિટીવ કેસ નોંધાય છે. અને દરરોજના 10 વ્યકિતઓના મોત સરકારી ચોપડે નોંધાય છે. પરંતુ આ આંકડો અનેક ગણો વધુ હોવાની શકયતા નકારી સકાતી નથી તેની મુખ્ય સાબિતી રાજકોટના સ્મશાનોમાં મૃતદેહોની કતારો ઉપરથી જ અંદાજ આવી જાય છે. પરંતુ સરકાર દ્વારા મૃતકોના અને ખાનગી હોસ્પિટલોમાં આવતા કોરના પોઝિટીવ કેસોની સંખ્યા જાહેર થતી નથી.જેના કારણે રાજકોટની આ વકરતી સ્થિતિનો ભોગ જામનગરવાસીઓએ બનવું પડે છે.