ખંભાળિયા તાલુકાના જૂવાનગઢ ગામમાં રહેતાં સંજેલીના વતની યુવાને એક વર્ષ પહેલાં બીજા લગ્ન કર્યા હતાં અને પત્ની માવતરે રીસામણે જતી રહેતા પત્નીના વિયોગમાં પતિએ દવા પી આપઘાત કર્યો હતો. ઓખાના આર કે બંદર વિસ્તારમાં રહેતાં માછીમાર વૃદ્ધને બોટની કેબિનમાં હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ ખંભાળિયા તાલુકાના જુવાનગઢ ગામે હાલ રહેતા અને મૂળ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વતની એવા જયંતીલાલ રમેશભાઈ વાદી નામના 28 વર્ષના યુવાને આજથી આશરે એકાદ વર્ષ પૂર્વે બીજા લગ્ન કર્યા હતા. હાલ તેમના પત્ની માવતરે રિસામણે ચાલ્યા ગયા હતા. આ બાબતે જયંતીલાલ વાદીને મનમાં લાગી આવતાં તેમણે કંટાળીને પોતાના હાથે જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે મૃતકની માતા માલીબેન રમેશભાઈ વાદી દ્વારા જાણ કરાતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, નવસારી જિલ્લાના ટીગરાગામ વિસ્તારના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા ગોપાળભાઈ પ્રકાશભાઈ હિંગળા નામના 62 વર્ષના માછીમાર વૃદ્ધ ગઈકાલે સોમવારે સાંજના સમયે તેમની નાદુરસ્ત તબિયત વચ્ચે બોટની કેબિનમાં આરામ કરી રહ્યા હતા, ત્યારે કોઈપણ સમયે તેમને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગેની મહેશભાઈ ટંડેલ દ્વારા જાણ કરાતા ઓખા મરીન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.