દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આશરે નવ વર્ષ પૂર્વે એક પરિણીત યુવતીએ પોતાના પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લેતા આ પ્રકરણમાં દ્વારકાની સેશન્સ અદાલતે આરોપી પતિને પાંચ વર્ષની સખત કેદ તથા દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે રહેતા રાજેન્દ્રસિંહ નિરૂભા જાડેજા નામના શખ્સના લગ્ન ફેબ્રુઆરી 2013 માસમાં ઉના તાલુકાના ગરાળ ગામે રહેતા છોટુભા મોહબતસિંહ રાઠોડની પુત્રી દક્ષાબા સાથે થયા હતા. લગ્નના બે માસ બાદ જ દક્ષાબાને તેણીના પતિ રાજેન્દ્રસિંહએ “તું મને ગમતી નથી” તેમ કહી મેણા ટોણા મારી અને દારૂ પીને ઘરે આવતા મારકૂટ કરવામાં આવતી હતી.
આ પરિસ્થિતિમાં દક્ષાબા તેણીના સાસુ, સસરા અને દિયરને કહેતા તો તેઓ રાજેન્દ્રસિંહને કંઈ કહેતા ન હતા. આ પછી પોતાના માવતરે આટો દેવા આવેલી દક્ષાબાને તેણીના પરિવારજનોએ સાંત્વના આપ્યા બાદ 15 દિવસ માવતરે રોકાવા છતાં પોતાનો પતિ તેડવા આવ્યો ન હતો અને ‘કોઈ આવે તો તેની સાથે મોકલી દેજો’ તેમ દક્ષાબાના પરિવારજનોને જણાવ્યું હતું.
ત્યારબાદ એક પરિવારજન સાથે દક્ષાબાને સાસરે મોકલી દેવામાં આવી હતી. આ પછી દક્ષાબાએ પોતાના પિતાને ફોનમાં જણાવેલ કે ‘મારાથી ત્રાસ સહન નથી થતો. હવે પછી તમે મારું મોઢું પણ નહીં જુઓ’ તેમ રડતા રડતા કહ્યા બાદ તા. 31 માર્ચ 2014ના રોજ તેણીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવ બનતા મૃતકના પરિવારજનો ખંભાળિયાની સરકારી હોસ્પિટલ ખાતે આવ્યા હતા. જ્યાં મૃતકના પિતા છોટુભા મહોબતસિંહ રાઠોડએ મૃતકના પતિ રાજેન્દ્રસિંહ, સસરા નીરુભા જાડેજા, સાસુ વિજુબા તથા દિયર જયપાલસિંહ સામે સ્ત્રી અત્યાચારની કલમ તથા આપઘાત માટે દુષ્પ્રેરણાની કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે પોલીસે ચાર્જશીટ રજૂ કર્યું હતું.
આ અંગેનો કેસ દ્વારકાના એડિશનલ સેશન્સ જજ સમક્ષ ચાલી જતા આ પ્રકરણના સાહેદોની જુબાની તથા જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડાની દલીલોને ગ્રાહ્ય રાખી, અદાલતે આરોપી પતિ રાજેન્દ્રસિંહ નીરૂભા જાડેજાને તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂા. 10,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.