ધ્રોલ તાલુકાના જાયવા ગામના વાડી વિસ્તારમાં રહેતાં અને ખેતમજૂરી કરતા યુવાનને તેની પત્ની સાથે રસોઇ બનાવવાની બાબતે ઝઘડો થતા મનમાં લાગી આવતા ઝાડની ડાળીમાં દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
આ અંગેની વિગત મુજબ, મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ઇમલીપુરાના વતની અને ધ્રોલ તાલુકાના જાયવા ગામની સીમમાં આવેલી તેજાભાઈના ખેતરમાં મજૂરી કામ કરતા ગોલુ છગનભાઇ મકવાણા (ઉ.વ.28) નામના યુવાનને તેની પત્ની રેખાબેન સાથે રાત્રિના સમયે રસોઇ બનાવવાની બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ બાબતનું લાગી આવતા ગોલુ મકવાણા નામના યુવાને રવિવારે બપોરના સમયે તેના ખેતરના સેઢા પાસે આવેલા બાવળની ઝાડની ડાળીમાં દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવની જાણ થતા એએસઆઈ એમ.પી. મોરી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની પત્ની રેખાબેનના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.