જામનગર શહેરમાં શંકરટેકરી સિધ્ધાથકોલોનીમાં રહેતા યુવાનની પત્ની ઘરેથી કોઇને કહ્યા વગર ચાલી ગયા બાદ વિકાસ ગૃહમાં રહેતી હતી. યુવાને તેની પત્નીને મળ્યા બાદ કોઇ કારણસર વિકાસ ગૃહની બહાર જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમા શંકરટેકરી વિસ્તારમાં આવેલા સિધ્ધાર્થ કોલોની શેરી નં.8 માં રહેતા અને ડ્રાઈવિંગ કરતા ચિરાગ સુનિલભાઈ રાઠોડ (ઉ.વ.26) નામના યુવાનની પત્ની વિધી ગત તા.23 ના રોજ તેના ઘરેથી કોઇને કહ્યા વગર ચાલી ગઈ હતી અને ત્યારબાદ વિધી વિકાસ ગૃહમાં રહેતી હતી. આ અંગેની જાણ થતા ચિરાગ મંગળવારે તેની પત્નીને બપોરના સમયે મળવા ગયો હતો અને વિકાસ ગૃહમાંથી મળીને બહાર નિકળ્યા બાદ કોઇ કારણસર તેણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મધ્યરાત્રિના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગે મૃતકના પિતા સુનિલભાઈ દ્વારા જાણ કરાતા હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.