Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકા જિલ્લામાં ‘તૌક્તે’ વાવાઝોડું હળવેથી પસાર થયું: પવનના જોર વચ્ચે વરસાદી ઝાપટા...

દ્વારકા જિલ્લામાં ‘તૌક્તે’ વાવાઝોડું હળવેથી પસાર થયું: પવનના જોર વચ્ચે વરસાદી ઝાપટા વરસ્યા

મોટી જાનહાનિ ન થતા લોકોને રાહતનો દમ ખેંચ્યો

- Advertisement -

હવામાન વિભાગ દ્વારા ગઈકાલે સોમવારે રાત્રેથી આજે મંગળવારે સવારે સુધીના સમયગાળામાં ‘તૌક્તે’ વાવાઝોડું ત્રાટકવાની કરવામાં આવેલી આગાહી વચ્ચે તમામ સ્થાનિક સરકારી તંત્રની સક્રિયતા સાથે લોકોના ઉચાટ જીવે આ વાવાઝોડું હળવું પડતા લોકોએ રાહતનો દમ ખેંચ્યો છે.
સોમવાર તથા મંગળવારના સમયગાળા દરમિયાન ‘તાઉતે’ વાવાઝોડું દેવભૂમિ દ્વારકા જિલ્લાને ધમરોડશે તેવી શક્યતાઓ વચ્ચે અહીંના કલેકટર તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા વિવિધ પ્રકારના નક્કર પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં સાવચેતી માટે નીચાણના વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવા સહિતની કાર્યવાહી માટે ખાસ કરીને જિલ્લા પોલીસ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.

વિશાળ દરિયાકિનારો ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તથા દ્વારકા સહિતના વિવિધ કાંઠાળ વિસ્તારોમાં વાવાઝોડાને કારણે જાનમાલની નુકશાની ન સર્જાય તે માટે છેલ્લા બે દિવસથી સ્થાનિક તંત્રની નોંધપાત્ર જહેમત આવકારદાયક બની રહી હતી. આ માટે છેલ્લા બે દિવસથી પોલીસ સહિતના સરકારી અધિકારીઓ- કર્મચારીઓના રાત ઉજાગરાએ વાવાઝોડાની ઘાતક અસરથી લોકોને બચાવ્યા હતા.

‘તૌક્તે’ વાવાઝોડાના પગલે ગઈકાલે તેમજ આજે પણ સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. પવનનું જોર મહદ્ અંશે વધુ રહેતા ધૂળની ડમરીઓથી લોકો ત્રસ્ત બની ગયા હતા. વાવાઝોડાના પગરવ સાથે ગઈકાલે મોડી રાત્રે વંટોળિયો પવન ફૂંકાયો હતો. એટલું જ નહીં મધ્યરાત્રિના સમયે ખંભાળિયા, દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. જો કે ભારે વાવાઝોડા તથા વરસાદની આગાહી વચ્ચે માત્ર વંટોળિયા પવન તથા હળવા વરસાદી ઝાપટાથી લોકોએ ‘તાઉતે’ વાવાઝોડાની ભયાવહ આગાહીથી છુટકારો મળતાં હાલની મહામારીમાં ઈશ્વરનો પાડ માન્યો હતો. હળવા વરસાદ તથા પવનના જોરના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

- Advertisement -

ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં તથા તાલુકા અને જિલ્લામાં વૃક્ષો પડવાના તથા સામાન્ય છાપરા ઉડવા જેવા બનાવો સિવાય કોઇ મોટી દુર્ઘટના કે જાનહાનિ ન થતા જિલ્લાના રહીશો તથા ખાસ કરીને સરકારી તંત્રે હાલ રાહતનો દમ ખેંચ્યો છે. જોકે હજુ આ વાવાઝોડાથી સંપુર્ણ મુક્તિ મળી હોય તેવી જાહેરાત સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી નથી. તેથી હજુ પણ તમામ સરકારી તંત્ર એલર્ટ બની રહ્યું છે.

ખંભાળિયા પંથકમાં ફૂંકાયેલા મીનિ વાવાઝોડા જેવા પવનના કારણે ખંભાળિયા શહેરમાં પીજીવીસીએલના ઉપકરણોને ખાસ કોઇ મોટી નુકસાની થવા પામી ન હતી. પરંતુ તાલુકાના જુદા જુદા વાડી વિસ્તારમાં આઠ વિજપોલ ધરાશાયી થઈ જતાં તંત્રએ તાકીદે દોડી જઈ અને રીપેરીંગ સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી.

ગતરાત્રીના સમયે ફૂંકાયેલા ભારે પવનના કારણે લાંબો સમય વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો. સાવચેતીના પગલારૂપે શહેરની સ્ટ્રીટ લાઈટો પણ બંધ રહી હતી. આ ઉપરાંત દ્વારકા તાલુકામાં પણ વીજપોલ કે વિજવાયર પડવાના કોઈ બનાવ બન્યા ન હતા. પીજીવીસીએલ સ્ટાફ વાવાઝોડાની આગાહીના પગલે સ્ટેન્ડ-ટુ રહ્યો હતો.

વાવાઝોડાની આગાહીના પગલે ખંભાળિયામાં આવતી તથા જતી તમામ એસટી બસો ગઈકાલે સાંજે ચાર વાગ્યા બાદ દોડી ન હતી. એટલું જ નહીં આજે પણ દિવસ દરમિયાન એસ.ટી.ના રૂટ બંધ રાખવામાં આવ્યા હતા. આજે વાવાઝોડાની પરિસ્થિતિ થાળે પડયે એસ.ટી.ના જુદા જુદા રૂટ પૂર્વવત થનાર હોવાનું અહીંના ડેપો મેનેજર એમ આર રાઠોડ દ્વારા જાણવા મળેલ છે.

આ ઉપરાંત જિલ્લા કલેકટરના આદેશ મુજબ વાવાઝોડાની પરિસ્થિતિમાં લોકોને સહાયભૂત થવા માટે એસ.ટી.ની 10 બસ તથા ડ્રાઇવર સ્ટેન્ડ-ટુ રાખવામાં આવ્યા હતા. જોકે પરિસ્થિતિ ન બગાડતા આ સેવા લેવાની જરૂર પડી ન હતી.

વાવાઝોડાની આગાહીના પગલે અહીંના પ્રાંત અધિકારી ડી.આર. ગૂરવની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ખંભાળિયા નગરપાલિકા દ્વારા પણ સક્રીય રીતે કામગીરી કરવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર એ.એચ. સિંહા દ્વારા છેલ્લા બે દિવસથી અવિરત રીતે તેમના સ્ટાફ સાથે અહીંની નગરપાલિકા કચેરી ખાતે હાજર રહી કંટ્રોલરૂમ સહિતની જરૂરી વ્યવસ્થા સંભાળી હતી.

આ ઉપરાંત નગરપાલિકા તંત્ર દ્વારા પોર ગેઈટ પાસે આવેલા કોમ્યુનીટી હોલ તથા નગરપાલિકા સંચાલિત હાઇસ્કુલ ખાતે મળી કુલ બે સેલ્ટર હોમ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં જુદા-જુદા વિસ્તારોમાંથી 145 લોકોને અહીં આશરે આપવામાં આવ્યો છે. હાલની પરિસ્થિતિમાં નગરપાલિકાનો ફાયર સહિતનો સ્ટાફ આખી રાત સેવા માટે હાજર રહ્યો હતો.

વાવાઝોડા આગાહીને પગલે દ્વારકા તાલુકામાં એનડીઆરએફની ટીમ તથા પોલીસ કાફલો સ્ટેન્ડ-ટુ રાખવામાં આવ્યો હતો. ગતરાત્રે સામાન્ય વરસાદ તથા પવન ફુંકાવવાના બનાવો વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ કે ફાયર વિભાગને ઇમરજન્સી કોલ આવ્યા ન હતા. આટલું જ નહીં જી.એમ.બી. વિભાગને પણ ખાના ખરાબીની કોઈ ઈમર્જન્સી આવી ન હતી. આજે વાવાઝોડાની અસર ઓછી થાય હાલ બંદરો પર 8 નંબરનું સિગ્નલ ઘટાડવામાં આવશે તેમ પણ જાણવા મળેલ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બુધવાર સુધી જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની સંભાવના છે. જેના પગલે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સંપુર્ણ તૈયારીઓ કરવામાં છે. દરિયાકાંઠાના 61 તથા અન્ય 44 મળી કુલ 105 અસરગ્રસ્ત ગામોના 140 આશ્રય સ્થાનો પર કુલ 12,319 પૈકી 11,608 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular