ખંભાળિયામાં નગર ગેઈટ વિસ્તારમાં આવેલા વણકર વાસ પાસે રહેતા રાણાભાઈ હીરાભાઈ રોશિયા નામના 42 વર્ષના અનુસૂચિત જાતિના યુવાનની ઠંડા પીણાંની દુકાને આવીને આ જ વિસ્તારમાં રહેતા અજયગીરી ઉર્ફે ઈશ્વરગીરી પ્રતાપગીરી ગોસ્વામી (ઉ.વ. 39) અને વીરુ ઉર્ફે વીરેન્દ્રગીરી સંજયગીરી ગોસ્વામી (ઉ.વ. 24) નામના બે શખ્સોએ દુકાનમાં ઠંડા પીણાંના બાકી રહેલા રૂપિયા 540 ભૂલી જવાનું કહી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી, બિભત્સ ગાળો કાઢી સાહેદ અરશીભાઈ સાથે ઝપાઝપી કરી હતી.
ફરિયાદીની દુકાનમાં રહેલા કાચના શીશા તથા ડોલ તોડી નાખી અને આર્થિક નુકસાની કરીને આરોપી વિરેન્દ્રગીરી ગોસ્વામીએ ફરિયાદીની દુકાનમાં લચ્છી ન હોવાથી બીજી દુકાનમાં લચ્છી પીવા જવા માટે રૂપિયા 200ની ફરિયાદી રાણાભાઈ પાસે માંગણી કરી હતી. આ પ્રકરણમાં આરોપીઓએ ફરિયાદી રાણાભાઈ રોશિયાને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી લોખંડના પાઈપ વડે માર મારવાનો ભય બતાવી, અમે જ્યારે દુકાને આવીએ ત્યારે મફતમાં ઠંડા પીણા આપવાનું કહીને જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે બંને શખ્સો સામે આઈપીસી કલમ 386, 387, 323, 504, 506 (2), 427, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એસ.સી. એસ.ટી.ના ઈન્ચાર્જ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા હાથ ધરવામાં આવી છે.