જામજોધપુર ગામના ખરાવાડ વિસ્તારમાં આવેલી નિશાળ પાસે રહેતાં વૃદ્ધા પાંચ દિવસ પૂર્વે સવારે તેના ઘરેથી ચાલ્યા ગયા બાદ પાટણરોડ પર આવેલા પાંજરાપોળ સામેના સરકારી ખરાબાની જગ્યામાંથી પશુઓએ ફાડી ખાધેલો મૃતદેહ મળી આવતા પોલીસે વેર વિખેર મૃતદેહના અવશેષો એકત્ર કરી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામજોધપુર ગામમાં આવેલા ખરાવાડ વિસ્તારમાં નિશાળ પાસે રહેતાં કાંતાબેન લઘુભાઈ રાઠોડ નામના વૃદ્ધા ગત તા.2 ના રોજ સવારે 10 વાગ્યાના અરસામાં તેના ઘરેથી ચાલ્યા ગયા હતાં. વૃધ્ધ માતા લાપતા થયા બાદ પુત્ર નાગજીભાઈ રાઠોડ તથા પરિવારજનો દ્વારા વૃધ્ધાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ, વૃદ્ધાનો કોઇ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ પુત્ર દ્વારા વૃદ્ધ માતા લાપતા થયાની પોલીસમાં જાણ કરવામાં આવી હતી. દરમિયાન જામજોધપુરમાં પાટણ રોડ પર પાંજરાપોળની સામે આવેલા સરકારી ખરાબાની જગ્યામાં પશુઓએ ફાડી ખાધેલ મૃતદેહના જુદા-જુદા અવશેષો અલગ અલગ મળી આવ્યા હતાં અને આ માનવ અવશેષો મળી આવતા પીઆઈ એમ.જી.વસાવા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પોલીસે સ્થળ પર પહોંચી જઇ માનવ અવશેષો એકત્ર કરી પીએમ માટે મોકલવામાં આવ્યા હતાં. તેમજ અવશેષોના આધારે કરાયેલા પ્રાથમિક તારણમાં આ અવશેષો લાપતા થયેલા વૃદ્ધા કાંતાબેનના હોવાનું જાણવા મળી રહ્યું હતું. ત્યારબાદ પીએમ રિપોર્ટમાં માનવ અવશેષો વૃધ્ધાના હોવાનું ખૂલ્યું હતું વૃદ્ધા ગત તા.2 ના રોજ સરકારી ખરાબાની જગ્યામાં કાતરા ઉતારવા ગયા હતાં તે દરમિયાન કોઇ કારણસર મોત નિપજ્યાનું જાહેર થયું હતું. મૃતકના પુત્ર નાગજીભાઇએ માનવ અવશેષોમાં કપડા અને તેના માતાના દાંતના આધારે ઓળખ કરી હતી. જેથી પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.