લાલપુર તાલુકાના ખડખંભાળિયા ગામમાં રહેતો યુવાન લાલપુરથી તેના ગામ તરફ જતો હતો ત્યારે રકકા પાટીયા નજીક પહોંચ્યો તે સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલા નંબર વગરના બાઈકસવારે યુવાનને ઠોકર મારી હડફેટે લેતા બાઈક પરથી પડી જતાં ચાલક યુવાનનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના ખડખંભાળિયા ગામમાં રહેતો સાગર વલ્લભભાઈ વાડોદરીયા (ઉ.વ.26) નામનો યુવાન ગત તા.28 ના રોજ સાંજના સમયે તેના જીજે-10-એડી-8507 નંબરના બાઈક પર લાલપુરથી ખડખંભાળિયા ગામ તરફ જતો હતો ત્યારે રકક્ા ગામના પાટીયા નજીક પહોંચ્યો તે સમયે પાછળથી પૂરઝડપે આવી રહેલા નંબર વગરના બાઈકસવારે સાગરના બાઈકને ઠોકર મારી હડફેટે લેતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈકસવાર સાગરને માથામાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે સામેવાળા બાઈકચાલક અને તેની પાછળ બેસેલા વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સાગરનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના કાકા મુકેશભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી નંબર વગરના બાઈકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.