રેલવે સેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ ડીવીઝનના 4 કર્મચારીઓને ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં રાજકોટ ડીવીઝનના એડિશનલ ડીવીઝનલ રેલવે મેનેજર કૌશલકુમાર ચૌબેના હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ કર્મચારીઓને ડિસેમ્બર-2023 મહિનામાં રેલવે સુરક્ષામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં અનિલ જી ચનિયારા (લોકો પાયલોટ-રાજકોટ), ઉમાશંકર પ્રસાદ (સ્ટેશન માસ્ટર-મોડપુર), ભૂપતસિંહ (ગેટ મેન ગેટ નંબર 231 એન્જીનીયરીંગ) અને કુમાર સત્ય (ગેટ મેન ગેટ નં. 179 ટ્રાફિક) સામેલ છે. આ રેલવે કર્મચારીઓએ જે કામ કર્યું હતું તે ટ્રેનોમાં સ્પાર્કિંગ જોવું, ધુમાડો, લટકતા ભાગો અને બ્રેક બ્લોક જામ વગેરેની નોંધ લેવા જેવા કાર્યો કરવામાં આવ્યા હતા. આ રેલવે કર્મચારીઓની સતર્કતા અને તકેદારીએ સંભવિત રેલવે અકસ્માતોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
તેમજ રાજકોટ ડિવિઝનના સિવિલ ડિફેન્સ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ જનરલ મેનેજર કક્ષા માટે રૂા. 8500નો ગ્રૂપ કેશ એવોર્ડ અને ડીવીઝનલ રેલવે મેનેજર કક્ષા માટે રૂ. 1500નો ગ્રુપ કેશ એવોર્ડ એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા આપવામાં આવ્યો હતો. આ તકે સિવિલ ડિફેન્સ કર્મચારીઓના કુણાલ શર્મા (ટેલિકોમ મેઈન્ટેનર-રાજકોટ), ઈકબાલભાઈ (મુખ્ય લોકો ઈન્સ્પેક્ટર-રાજકોટ) અને નરેન્દ્રસિંહ પરમાર (વાહન ડ્રાઈવર-રાજકોટ) હાજર રહ્યા હતાં.
આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર એન.આર.મીના, સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર રમેશચંદ મીણા, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર મીના અને આસિસ્ટન્ટ મિકેનિકલ એન્જિનિયર દ્વિપ સાવપરા ઉપસ્થિત રહ્યા હતા.