ચારધામ અને સપ્તપુરીમાંના એક એવા દ્વારકામાં તહેવારો અને ઉત્સવોનું અનેરૂ મહત્વ છે. ત્યારે દ્વારકા યાત્રાધામમાં ગોમતી ઘાટ પરની દ્વારકાની સૌથી પ્રાચીન તેમજ દ્વારકાધીશ જગત મંદિરમાં સેવા પૂજા તેમજ યજમાન વૃતિ કરનારા ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સંચાલિત સરકારી હોળીનું રવિવારે સૂર્યાસ્ત બાદ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય પરિવાર દ્વારા વિધિ વિધાનથી પૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ હોળી પ્રગટાવવામાં આવી હતી.
આ પ્રસંગે દ્વારકા તીર્થપંડા પુરોહિત પ્રમુખ દિવ્ય પ્રકાશભાઈ ઠાકર, ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ મધ્યસ્થ સભા સદસ્ય ભાર્ગવભાઈ ભટ્ટ, હેમલભાઈ દવે તેમજ અન્ય સદસ્યો, સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ મંત્રી ગિરધરભાઈ જોશી, પોલીસ સ્ટાફ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પૂજન શાસ્ત્રી ચેતનભાઇ સાતા અને સન્નીભાઈ પુરોહિતના આચાર્ય પદે સંપન્ન થયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકાની આ પ્રાચીન હોળી ગોમતી ઘાટ પર દર વર્ષે કરવામાં આવે છે. જેમાં સ્થાનિક પ્રશાસન તેમજ અનેક સંસ્થાઓનું યોગદાન હોય છેલ્લા ઘણા વર્ષોથી આ હોળીનું સંચાલન દ્વારકા ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા કરવામાં આવે છે. સૌપ્રથમ ગોમતીઘાટ પરની આ હોલિકાનું પૂજન દહન થયા બાદ દ્વારકાની અન્ય હોળીઓ પ્રગટાવવામાં આવે છે.