Monday, March 2, 2026
Homeરાજ્યજામનગરછોટીકાશીમાં આજે ઠેર-ઠેર હોલિકા દહન

છોટીકાશીમાં આજે ઠેર-ઠેર હોલિકા દહન

આવતીકાલે ચંદ્રગ્રહણને લઇ આજે હોલીકા દહન : બજારોમાં ધાણી, ખજુર, પતાસા, શ્રીફળ સહિતની ચીજવસ્તુઓનું વેંચાણ : પરમ દિવસે રંગોના પર્વ ધુળેટીની ઉજવણી થશે

જામનગર સહિત હાલાર પંથકમાં આજરોજ હોળી પર્વની ઉજવણી કરવામાં આવશે આવતીકાલે ચંદ્રગ્રહણને લઇ આજે હોલીકા દહન થશે. આજે રાત્રે હોલીકા દહન બાદ પરમ દિવસે એટલે કે બુધવારે રંગોના પર્વ ધુળેટીની ઉજવણી કરવામાં આવશે જોકે કેટલાક મંદિરોમાં આવતીકાલે જ ફુલડોલ ઉત્સવ ઉજવાશે. આમ શહેરીજનોને હોળીના તહેવારમાં પણ ધોકા જેવી પરિસ્થિતિ સર્જાય છે. હોળીના પર્વને લઇ જામનગર શહેરની બજારોમાં ધાણી, દારીયા, ખજુર, પતાસા, હારડો સહિતની વસ્તુઓનું વેંચાણ વઘ્યું છે.

- Advertisement -

હોળી-ધુળેટીના પર્વને લઇ શહેરીજનોમાં અનેરો ઉત્સાહ છવાયો છે. ફાગણ સુદ પૂનમના હોળી પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવે છે. હોળીના પર્વને હુતાસણી પણ ઓળખવામાં આવે છે. હોળીનો બીજો દિવસ રંગોનું પર્વ એટલે કે ધુળેટી કે જે પડવો પણ કહેવાય છે. પરંતુ આ વર્ષે હોળી-ધુળેટી વચ્ચે ધોકા જેવી સ્થિતિ સર્જાય છે. છોટીકાશી તરીકે સુપ્રસિઘ્ધ જામનગર શહેરમાં આજરોજ હોળીની ઉજવણી કરવામાં આવશે. આવતીકાલે ચંદ્રગ્રહણ હોવાને કારણે આજરોજ હોલીકા દહન કરવામાં આવશે. જામનગર શહેરમાં આજે લીમડા લાઇન, પટેલ કોલોની, રણજીતનગર, કડીયાવાડ, ચૌહાણફળી, ખોડીયાર કોલોની સહિતના અનેક વિધ વિસ્તારોમાં હોલીકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને જામનગર શહેરમાં ભોઇ જ્ઞાતિ સમસ્ત દ્વારા અધર્મ ઉપર ધર્મની જીતને સ્થાપીત કરતો પ્રસંગ હોલીકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. ભોઇ સમાજ દ્વારા છેલ્લા 70 વર્ષથી હોલીકા દહનનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ હાલીકા દહન કાર્યક્રમ યોજાશે જેને નિહાળવા આજે લોકો મોટી સંખ્યામાં ઉમટશે.
જામનગરની અનેક શેરી-ગલીઓમાં હોલીકા દહન કાર્યક્રમ યોજાશે. હોળીના પર્વ નિમિતે બહેનો દ્વારા હોળીનું વ્રત કરી સાંજે હોલીકાની પ્રદક્ષિણા કરવામાં આવશે જેમાં શ્રીફળ, ધાણી, ખજુર હોમવામાં આવશે અને હોલીકાની પૂજા કરવામાં આવશે આ ઉપરાંત બાળકની પ્રથમ હોળીએ પતાસાનો હાર પહેરાવી હોલીકાની પ્રદક્ષિણા કરાવાશે. આ પરંપરા ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ અકબઘ્ધ છે. પરંતુ શહેરમાં આ પરંપરામાં બદલાવ આવ્યો છે. આધુનીક સમયમાં અવનવી સ્ટાઇલના હારડા બજારમાં ઉપલબ્ધ છે. જેમાં પતાસા ઉપરાંત ચોકલેટ, બિસ્કીટ, ધાણી, દારીયા સહિતના ચીજવસ્તુઓ સાથેના હારડા બજાર જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત બજારમાં પતાસા, ખજુર, ધાણી, દારીયા સહિતની ચીજવસ્તુઓનું પણ વેંચાણ થઇ રહ્યું છે.

આજે રાત્રે હોલીકા દહન બાદ બુધવારે પરમ દિવસે રંગોના પર્વ ધુળેટીની ઉજવણી કરવામાં આવશે. જગત મંદિર સહિતના મંદિરોમાં આવતીકાલે ફુલડોલ ઉત્સવ ઉજવાશે. રંગોના પર્વ ધુળેટીની ઉજવણીને લઇ બજારોમાં વિવિધ પ્રકારના સ્પ્રે, રંગો, પીચકારીઓની લોકો ખરીદી કરી રહ્યા છે. બાળકો, યુવાઓમાં ધુળેટી પર્વની ઉજવણીને લઇ અનેરો ઉત્સાહ છવાયો છે. જામનગર શહેરમાં વિવિધ પાર્ટી પ્લોટો તથા હાઇવે પર હોટલોમાં ધુળેટીની ઉજવણીના આયોજનો થયા છે. આજે હોલીકા દહન બાદ એક દિવસના વિરામ બાદ ધુળેટી પર્વની ઉજવણી થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular