કટકના બારાબાતી સ્ટેડિયમ ઉપર યોજાયેલી પુરૂષ હોકી વર્લ્ડકપનો ઉદ્ઘાટન સમારોહ અંદાજે અઢી કલાક સુધી ચાલ્યો હતો. આ શોનું સંચાલન મનિષ પોલ અને ગૌહર ખાને કર્યું હતું. જ્યારે બોલિવૂડ સ્ટાર દિશા પટણી, રણવીર સિંહ અને મ્યુઝિક કમ્પોઝર પ્રિતમે પરફોર્મન્સ કર્યું હતું.
પ્રીતમ ‘ઈલાહી’ સહિતના ગીતો સાથે સ્ટેજ ઉપર પહોંચ્યા હતા. તેની સાથે બોલિવૂડ સીંગર બેની દયાલ અને નીતિ મોહને પણ પરફોર્મ કર્યું હતું. સ્ટેડિયમમાં બેઠેલા 40 હજાર દર્શકો સામે કોરિયન પોપ બેન્ડ બ્લેકસ્વાને પણ પ્રદર્શન કર્યું હતું. ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર તેમજ ભારતના પૂર્વ હોકી પ્લેયર દિલીપ તિર્કી સાથે વર્લ્ડકપની ટ્રોફીનું અનાવરણ કર્યું હતું. આ પહેલાં મ્યુઝિક ડાયરેક્ટર પ્રીતમે ‘હોકી દિલ હૈ મેરા’ એન્થમ રિલિઝ કર્યું હતું જે ટૂર્નામેન્ટનું સત્તાવાર સોંગ છે. ઓપનિંગ સેરેમની પૂર્ણ થયા બાદ આજથી વર્લ્ડકપના મુકાબલા રમાશે. ભારતની પહેલી મેચ સાંજે સાત વાગ્યાથી સ્પેન વિરુદ્ધ રાઉરકેલામાં થશે. 17 દિવસ સુધી ચાલનારી ટૂર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો 29 જાન્યુઆરીએ ભુવનેશ્ર્વરમાં રમાશે. ટૂર્નામેન્ટમાં 16 ટીમો વચ્ચે 44 મેચ રમાશે.