અલ્હાબાદ હાઇકોર્ટે ખૂબ જ સખત શખ્દોમાં આદેશ જાહેર કર્યો છે. અદાલતે ઓકિસજનની સપ્લાયના અભાવે થતાં કોરોના દર્દીઓના મોત મામલે તપાસનો આદેશ આપ્યો છે અને જણાવ્યું છે કે, ઓકિસજનનો પૂરતો જથ્થો મેળવવો અને દર્દીઓ સુધી પહોંચાડવો સતાવાળાઓની જવાબદારી છે. અને આમ કરવામાં કોઇ સતાવાળાઓ નિષ્ફળ જાય અને દર્દીઓના મોત થાય તે બાબત માત્ર ગુનાહિત કૃત્ય નથી. પરંતુ એક પ્રકારનો નરસંહાર છે.
અલ્હાબાદ હાઇકોર્ટની ન્યાયમૂર્તિ સિધ્ધાર્થ વર્મા અને ન્યાયમૂર્તિ અજીતકુમારની બેંચે આમ કહ્યું છે. ઉતરપ્રદેશના મેરઠ અને લખનઉ જિલ્લામાં ઓકિસજનના અભાવે કોરોના દર્દીઓના મોત થયાના સમાચારો વાયરલ થયા તેમજ સોશ્યલ મીડિયા પર પુષ્કળ પોસ્ટ વાયરલ થઇ ત્યારબાદ હાઇકોર્ટે આ સખ્ત શબ્દોમાં આદેશ આપ્યો હતો. ખંડપીઠે સુનાવણીમાં એમ પણ નોંધ્યું છે કે, દર્દીઓને પરેશાન કરવામાં આવે છે. પોતાનો જીવ બચાવવા દર્દીઓએ ઓકિસજન સિલિન્ડરની ભીખ માંગવી પડે છે.
હાઇકોર્ટે આ પ્રકરણમાં લખનઉની અદાલતને તપાસ કરી 48 કલાકમાં રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું છે. હાઇકોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યું છે કે, સામાન્ય રીતે અમે સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં સમાચારોના આધારે રાજય અને જિલ્લાઓને આ પ્રકારના નિર્દેશ આપતાં નથી. પરંતુ અત્યારે અમને એવું દેખાય છે કે, આ પ્રકારના નિર્દેશ જરૂરી છે.