Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતઆરટીઇ પ્રવેશમાં છેતરપિંડી સામે હેલ્પલાઇન નંબર

આરટીઇ પ્રવેશમાં છેતરપિંડી સામે હેલ્પલાઇન નંબર

- Advertisement -

રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ગરીબ વર્ગના બાળકોને સારી ખાનગી શાળાઓમાં પ્રવેશ અપાય છે. પરંતુ રાજ્યમાં કેટલાક લેભાગુ તત્વો દ્વારા બોગસ વેબસાઈટ બનાવીને ગરીબ વર્ગના બાળકોના વાલીઓને મનપસંદ શાળામાં પ્રવેશ અપાવવાની લાલચ આપીને પૈસા પડાવવામાં આવતા હોવાની વિગતો સામે આવી છે. જેના પગલે રાજ્યનો શિક્ષણ વિભાગ સફાળો કુંભકર્ણની નિંદ્રામાં જાગ્યો છે. આ મામલે ફરિયાદો માટે શિક્ષણ વિભાગ દ્વારા વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. જો કોઈ એજન્ટ કે લેભાગુ તત્વો દ્વારા આવી પ્રવૃત્તિ થતી હોય તો જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરવા અથવા વોટ્સએપ નંબર ફરિયાદ કરવા જણાવાયું છે. રાજ્ય સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ, 2009 હેઠળ પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રીતે યોજાય છે.

- Advertisement -

હાલ આગામી શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે માટે તા.10/4/2023 થી તા.22/4/2023 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે એવું રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જણાવાયું છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા વધુમાં જણાવાયું છે કે, ઘણા જિલ્લાઓમાં ગરીબ વાલીઓને મનગમતી શાળામાં પ્રવેશ આપવાના નામે પૈસા પડાવતા એજન્ટો સક્રિય હોવાનું રાજ્ય સરકારના ધ્યાનમાં આવ્યું છે. આવા બોગસ એજન્ટો દ્વારા ખોટા પુરાવાઓ તૈયાર કરવાની લાલચ અપાય છે. આથી જનતાને આવી ભ્રામક જાહેરાતો કે લોભ-લાલચમાં ફસાયા વિના કોઈપણ પ્રકારના નાણાંની લેવડ-દેવડ નહી કરવા જણાવાયું છે. તેમજ આવા કોઈ એજન્ટો આસપાસ જણાય તો તાત્કાલિક સંબંધિત જિલ્લાની શિક્ષણાધિકારીની કચેરી અથવા વોટ્સએપ હેલ્પલાઈન નં. 7046021022 પર તાત્કાલિક ફરિયાદ કરવા રાજ્ય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે. આવી ફરિયાદો મળતા સરકાર દ્વારા આવા એજન્ટો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ વાલી દ્વારા ખોટા પુરાવા રજૂ કરાશે અને ચકાસણી કરતાં તે પુરાવા ખોટા સાબિત થશે તો તેવા વાલીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેની ગંભીર નોંધ લેવા પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular