સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે રાજ્યમાં ચોમાસું સક્રિય થયું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અત્યાર સુધી રાજ્યમાં આ વર્ષની સીઝનનો કુલ 20.72% જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ તથા દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયામાં લો પ્રેશર સર્જાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ દરમિયાન વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, નવસારી, જુનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમરેલી, જામનગર, દ્વારકા, રાજકોટ, અને કચ્છમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે ચોમાસુ મોડું બેસવાના કારણે રાજ્યભરના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફેલાયું હતું. પરંતુ 10 જુલાઈ બાદ વરસાના આગમનથી લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.