જોડિયા સામુહીક આરોગ્ય કેન્દ્રના હેડ કલાર્કને ફરજમાં ગંભીર બેદરકારી અને ફરજ ઉપર નશાખોરી સહિતની ગંભીર બાબતોને ધ્યાને લઇ બરતરફ કરવામાં આવ્યા છે. સરકારના આ કડક પગલાંથી કર્મચારીઓમાં ચર્ચાનો મુદો બન્યો હતો.
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હેડ કલાર્ક તરીકે ફરજ બજાવતાં જે.એચ. પટેલ ઉપર ફરજ ઉપર નશો કરવાની ટેવ તેમજ પ્રોહિબિશનનો કેસ ચાલી રહ્યો હતો. આ ઉપરાંત આ કર્મચારી ફરજ ઉપર ગેરહાજર રહેતાં હતાં. તેમજ નાણાકીય અને વહીવટી કામગીરી ખોરંભે ચડાવવી, સરકારી કર્મચારીઓને વય નિવૃત્ત થયા બાદ પણ પગાર ચાલો રાખવો, ચૂંટણીની કામગીરીમાં હાજર ન રહેવું સહિતની અનેક ગંભીર બેદરકારીઓ તેઓ ફરજમાં દાખવતાં હતાં. જેને લઇ સરકાર દ્વારા તેમને પાણીચુ આપી ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યા હતાં. મુખ્યમંત્રીની ‘ગંગાજળ’ વહીવટી સ્વચ્છતા અભિયાન અંતર્ગત ફરજમાં બેદરકારી દાખવનાર કર્મચારીને બરતરફ કરાઇ છે. જે અંતર્ગત જોડિયાના સામુહીક આરોગ્ય કેન્દ્રના હેડ કલાર્કને બરતરફ કરાયા હતાં. સ્ટાફ અને સ્થાનિક પ્રજાઓમાં આ હેડ કલાર્કને લઇ અનેક ફરિયાદો ઉઠી હતી. ત્યારે તેઓને બરતરફ કરાતાં પ્રજાને પુરતી સુવિધા અને યોગ્ય વ્યવહારથી હાંશખારો થશે.
આ ઉપરાંત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના વાવના સિનિયર કલાર્ક ડી.સી. ગામીત, બોટાદ જિલ્લાના પાળીયાદ સામુહીક આરોગ્ય કેન્દ્રના હેડ કલાર્ક બી.વી. ગાંગડીયા, જામનગર જિલ્લાના સુદામડા સામુહીક આરોગ્ય કેન્દ્રના સિનિયર આસિ. શૈલેષ રમણીકલાલ પંડયાને પણ બરતરફ કરવામાં આવ્યા છે.