હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામ નિવાસી થયા છે. વડોદરા ઉપરાંત દેશ વિદેશમાં રહેતા તેમના ભક્તો આઘાતમાં સરી પડ્યાં છે. લાંબા સમયથી બીમાર રહેતા હરિપ્રસાદ સ્વામીએ 88 વર્ષની વયે દેહત્યાગ કર્યો છે. આજીવન તેઓ હરિભક્તો માટે કાર્યરત રહ્યા હતા. યુવાનોના શિક્ષણમાં તેમનુ મોટુ યોગદાન હતું. વડોદરાની ભાઇલાલ અમીન હોસ્પિટલમાં અક્ષરનિવાસી થયા બાદ હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં હરિભક્તો ઊમટી પડ્યા હતા અને શોકમગ્ન બની ગયા હતા.
વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થયા છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોગી ડીવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજ આત્મીય યુનિવર્સિટી ના પ્રણેતા પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના દેહ વિલય અને પરમધામ ગમન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.
મુખ્યમંત્રી એ જણાવ્યું છે કે યુવાઓ માં વ્યસન મુક્તિ ,શિક્ષા પ્રણાલી ના પ્રચાર પ્રસાર સાથે આધ્યાત્મિકતા અને સમાજ માટે સમર્પિત થવાનો સેવા ભાવ ઉજાગર કરવામાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ આજીવન સેવારત રહી આપેલું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે. તેમના દેહ વિલય અને પરમધામ ગમન થી લાખો શોકમગ્ન અનુયાયીઓ ના દુઃખમાં સહભાગી થતાં મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ સ્વામીના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી છે.
કોવીડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આવતીકાલથી ભક્તોને અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. દેશ-વિદેશમાં વસતા ભક્તો પણ દર્શન માટે આવવાના છે. 1ઓગસ્ટે અંતિમસંસ્કારની વિધિ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.