Sunday, December 22, 2024
Homeરાજ્યખંભાળિયા નજીક હાઈવેના ચાલતા કામથી વાહનચાલકોને થતી હાલાકી

ખંભાળિયા નજીક હાઈવેના ચાલતા કામથી વાહનચાલકોને થતી હાલાકી

ચોમાસામાં પાણી ભરાતા ઉભી થતી સમસ્યા: કંપની દ્વારા તાકીદે પગલાની ખાતરી

- Advertisement -

ખંભાળિયા તાલુકાથી દ્વારકા તાલુકા વચ્ચે હાલ છેલ્લા આશરે બે વર્ષથી ચાલી રહેલા ફોર લેન સીસી રોડના કામ હાલ કેટલાક સ્થળોએ અધૂરા છે. ચોમાસાનો પ્રારંભ થતાં આ માર્ગ પર સ્થાનિકો તથા વાહનચાલકો હાલાકીમાં મુકાઇ રહ્યા છે. આ અંગે ખંભાળિયા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કંપની અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે તેમના દ્વારા હકારાત્મક પ્રતિસાદ સાંપડયો છે.

ખંભાળિયા તાલુકાના વાડીનારથી દ્વારકા તાલુકાના કુરંગા ગામ સુધી 71 કી.મી.ના ફોર લેન આર.સી.સી. રોડ બનાવવા માટે રૂપિયા 1,100 કરોડના ખર્ચે નિર્માણની કામગીરી હાલ કાર્યરત છે. વર્ષ 2019થી શરૂ થયેલી આ કામગીરી કોરોના, જમીન સંપાદનની અધુરી કામગીરી, સહિતના અન્ય પરિબળોને કારણે હાલ અપૂર્ણ છે.

ખંભાળિયા શહેરની પાદરમાં જામનગર માર્ગ પર લાલપુર ચોકડી તથા દ્વારકા માર્ગ પર રીલાયન્સ ચાર રસ્તા ખાતે બે ઓવર બ્રીજ સહિત સી.સી. રોડ અંગેની કામગીરી કંપની દ્વારા હાલ કરવામાં આવી રહી છે. જાણીતી ખાનગી કંપની જી.આર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા રસ્તાના નિર્માણની આ કામગીરી હાલ ચાલી રહી છે. ત્યારે પખવાડિયા પૂર્વે વરસેલા ભારે વરસાદના કારણે ખંભાળિયાના પાદરમાં બ્રિજના નિર્માણ સ્થળે મોટા પાયે પાણી ભરાતા સર્જાયેલા ખાબોચિયાને કારણે આ વિસ્તારમાં વાહનચાલકો તથા સ્થાનિક લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ બંને વિસ્તારોમાં ચાલતા રસ્તાના કામના કારણે ખંભાળિયા નગરપાલિકાના રસ્તાને પણ નુકશાની થવા પામી હતી. આના અનુસંધાને ખંભાળિયા નગરપાલિકાના સદસ્ય દિલીપભાઈ ઘઘડા સાથે જીગ્નેશભાઈ પરમાર, રવિરાજસિંહ જાડેજા, કોર્પોરેટર શંકરભાઈ, ભીખુભા જેઠવા, મયુરભાઈ ધોરીયાએ આ વિસ્તારમાં આવેલી જી.આર. ઇન્ફ્રા કંપનીની કચેરીની મુલાકાત લીધી હતી અને અધૂરા કામ તેમજ નગરપાલિકાના રોડ થયેલી નુકશાની બાબત ઉપસ્થિત અધિકારી યાદવને રજૂઆત કરી હતી.

આના અનુસંધાને કંપની અધિકારી દ્વારા ખંભાળિયા શહેરને સાંકળતા રસ્તાઓની કામગીરી યુદ્ધના ધોરણે હાથમાં લઈ, અને પૂર્ણ કરવા અંગેની ખાતરી આપી હતી. એટલું જ નહીં નુકશાની પામેલા નગરપાલિકાના માર્ગને પણ દુરસ્ત કરવા માટેની કામગીરી પણ તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે. આ રસ્તાઓ બની ગયા બાદ સ્થાનિક વાહનચાલકોને હાલાકીમાંથી થોડી રાહત થશે.

ખંભાળિયા-દ્વારકા ફોરલેન આર.સી.સી. રોડની કામગીરી હાલ પૂરજોશમાં ચાલુ છે અને જમીન સંપાદનની કાર્યવાહી સંપન્ન થયે ટૂંકા સમયગાળામાં કંપની દ્વારા આ માર્ગને સંપૂર્ણ રીતે કાર્યરત કરી દેવામાં આવશે તેવી માહિતી કંપનીના અધિકારી સુરેશ પંચાલ દ્વારા આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular