ખંભાળિયા શહેર દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક હોય, અહીં છેલ્લા કેટલાક સમયથી વિકાસ વધી રહ્યો છે. આ ઉપરાંત શહેરની આસપાસ અનેક ખાનગી કંપનીઓ પણ હોવાથી શહેરમાં બાંધકામનું પ્રમાણ પણ છેલ્લા વર્ષોમાં ઘણું વધ્યું છે. ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં બાંધકામની પરવાનગી માટે ખંભાળિયા વિસ્તાર વિકાસ સત્તા મંડળ (ખાડા) અસ્તિત્વમાં છે.
ખંભાળિયા વિસ્તારમાં કોમર્શિયલ રહેણાંક મકાનના બાંધકામ માટે “ખાડા” ઓફિસેથી મંજૂરી મેળવવી અનિવાર્ય છે. હાલ ખાડાની કચેરીમાં પર્યાપ્ત સંખ્યામાં સ્ટાફ નથી. જેના કારણે મંજૂરી માટે અરજદારોને ધક્કા ખાવા પડે છે. આટલું જ નહીં, અહીં થતા “વહીવટ” અરજદારોમાં પણ કચવાટની લાગણી જોવા મળી રહી છે. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા સહિતની નગરપાલિકા વિસ્તારમાં સ્થાનિક પાલિકા કચેરીને બાંધકામની પરવાનગી આપવાની સત્તા છે.
આ પરિસ્થિતિમાં ખંભાળિયા શહેરમાં બાંધકામ માટેની પરવાનગી ખંભાળિયા નગરપાલિકાને આપવાની સત્તા મળે તે માટે અવારનવાર ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરવામાં આવી છે. “ખાડા” અધિકારીઓ તથા જિલ્લાના સત્તાવાળાઓ દ્વારા આ બાબતે ઠરાવ પણ કરવામાં આવતા ખાડા દ્વારા બેઠકમાં ખંભાળિયા શહેરની બાંધકામની મંજૂરીની સત્તા નગરપાલિકાના આપવાનું ઠરાવ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું.
આ મુદ્દે ગાંધીનગર સ્થિત સંયુક્ત નિયામકને ખાડાના મુખ્ય કારોબારી અધિકારી દ્વારા પત્ર લખીને આ ઠરાવ મંજૂર કરવા જણાવ્યું છે. જે બાબતને પણ લાંબો સમય થઈ ગયો હોવા છતાં પણ મંજૂરી સાંપડી નથી. આથી ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા તથા કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય દ્વારા આ બાબતે સંયુક્ત નિયામક સાથે મુખ્યમંત્રી, પ્રભારીમંત્રી તથા અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાને પણ રજૂઆત કરવામાં આવી છે.
બાંધકામની પરવાનગીની સત્તા ખંભાળિયા નગરપાલિકાને મળે તો લોકોને થતી હાલાકીમાંથી તેઓને મુક્તિ મળે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એવી ખંભાળિયા નગરપાલિકાની આવકમાં પણ વધારો થાય અને તેનાથી શહેરમાં વિકાસ કાર્યો પણ થઈ શકે. જે મુદ્દે લક્ષ્ય લેવા રજૂઆત થઈ છે.