આજે સમગ્ર દેશમાં હનુમાન જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં શ્રદ્ધા અને સાહસનો એક અનોખો કિસ્સો જોવા મળ્યો છે. ઓખાના રહેવાસી રાજુ સુમણીયા અને તેમના પુત્રએ દર વર્ષની જેમ આ વર્ષે પણ દરિયો તરીને બેટ દ્વારકા સ્થિત સુપ્રસિદ્ધ ’હનુમાન દાંડી’ મંદિરે શીશ ઝુકાવ્યું હતું.
બેટ દ્વારકાનું હનુમાન દાંડી મંદિર વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં ભગવાન હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજની મૂર્તિઓ સાથે બિરાજમાન છે. આ પવિત્ર અવસરે ઓખાના રાજુ સુમણીયા અને તેમના પુત્રએ સમુદ્રના મોજાંઓને ચીરીને, તરીને મંદિર સુધી પહોંચવાનો સંકલ્પ પૂર્ણ કર્યો હતો.
View this post on Instagram
રાજુ સુમણીયા અને તેમનો પુત્ર છેલ્લા ઘણા વર્ષોથી હનુમાન જન્મોત્સવ પર તરીને દર્શન કરવા જાય છે. ઓખાથી બેટ દ્વારકા સુધીનો સમુદ્ર માર્ગ તરીને પાર કરવો એ શ્રદ્ધાની સાથે શારીરિક ક્ષમતાની પણ કસોટી છે. પિતા-પુત્રની આ જોડીએ હનુમાન અને મકરધ્વજના ચરણોમાં વંદન કરી પરંપરાગત શિસ્ત અને ભક્તિનો જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભગવાન પિતા-પુત્રના મંદિરે ભક્ત પિતા-પુત્રના આ અનોખા મિલનને સ્થાનિક લોકો અને અન્ય શ્રદ્ધાળુઓએ બિરદાવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ શિલશિલો યથાવત રાખીને તેઓએ પોતાની અતૂટ આસ્થાનો પરિચય આપ્યો છે.


