Sunday, December 22, 2024
Homeરાજ્યદ્વારકામાં બુકીંગ ફ્રોડના ગુન્હામાં આંતરરાજ્ય ગેંગના અડધો ડઝન ચીટર ઝડપાયા

દ્વારકામાં બુકીંગ ફ્રોડના ગુન્હામાં આંતરરાજ્ય ગેંગના અડધો ડઝન ચીટર ઝડપાયા

ફેક વેબસાઇટ, સિમકાર્ડનો ઉપયોગ કરી, છેતરપિંડી કરનાર તથા ન્યુડ વિડીયો કોલ ફ્રોડ રેકેટનો પર્દાફાશ : દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ સેલને નોંધપાત્ર સફળતા

- Advertisement -

તીર્થધામોમાં આદર ભર્યું સ્થાન ધરાવતા દ્વારકા ખાતે દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં યાત્રાળુઓ, દર્શનાર્થીઓ દ્વારકા દર્શન કરવા આવે છે. અહીં આવતા દર્શનાર્થીઓ રોકાણ માટે દ્વારકાની આવેલ હોટલોમાં એડવાન્સ ઓનલાઇન બુકીંગ કરે છે. જેનો લાભ લઈ આંતરરાજ્ય ઠગ ટોળકી છેતરપિંડી કરતા હોય છે. તાજેતરમાં દ્વારકા જિલ્લામાં ન્યુડ વિડીઓ કોલીંગ ફોડ, શોપીંગ ફ્રોડ જેવા સાયબર ક્રાઇમના ગુન્હાઓ બને છે, જે તમામ ગુનાઓનો પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયએ અભ્યાસ કરી, એ.એસ.પી. રાધવ જૈનએ ખુબ જ ગંભીરતાથી લઇ દ્વારકા જિલ્લામાં “સાયબર સેફ દ્વારકા” ના સુત્ર હેઠળ આંતરરાજ્ય સાયબર ગુન્હેગારોને પકડી પાડવા સુચના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- Advertisement -

મોબાઈલ સીમકાર્ડ ના વેચાણ તથા ઉપયોગ માટે સરકાર દ્વારા ચોક્કસ ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે. જેથી ગેરકાયદેસર સિમકાર્ડ એકટીવના થઇ શકે. પરંતુ અમુક ગઠીયાઓ દ્વારા લોકોને છેતરી તેના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી ગેરકાયદેસર સિમકાર્ડ એકટીવ કરી છેતરપીંડીમાં ઉપયોગ કરતા હોવાની હકીકત ઉજાગર થયેલ હતી.

છેલ્લા એક વર્ષના દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાયબર ક્રાઈમના ગુનાઓનો અભ્યાસ કરતા સદર હકીકતને સમર્થન મળ્યું હતુ. જેમાં કેટલાક મોબાઇલના સિમકાર્ડ ગુજરાતમાંથી ઇસ્યુ થયેલા હતા. આ સિમકાર્ડની માહિતિ મેળવી તપાસ કરતા સદર સિમકાર્ડ એક જ જગ્યા વડોદરાથી ઇસ્યુ થયેલ હોવાની હકીકત ધ્યાને આવેલ હતી. આ સિમકાર્ડ પહેલા વડોદરાના અલગ અલગ વ્યક્તિઓના નામે રજિસ્ટર થયેલ હોય અને ત્યારબાદ આ સિમકાર્ડ રાજસ્થાનમાં અલગ અલગ ગુનાહિત પ્રવૃતિમાં વપરાતા હોવાનું ધ્યાને આવેલ.

- Advertisement -

આ તમામ ગુનાઓના મુળ સુધી પહોંચી ગુનાના આખા નેટવર્કનો પર્દાફાસ કરી, મુખ્ય સુત્રધારને ધરપકડ કરવા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયએ સાયબર ક્રાઇમ સેલના પોલીસ ઇન્સ્પેકટર એ.વાય. બલોચ તથા દ્વારકા જિલ્લા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી “સાયબર સેફ દ્વારકા” ના પખવાડીયા તરીકે કામગીરી કરવા ગુજરાત અને રાજસ્થાન જરૂરી સુચના- માર્ગદર્શન આપી રવાના કરી, ટીમનું સતત મોનીટરીંગ રાખી, સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગુજરાત અને રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારમાંથી ટેક્નિકલ એનાલીસીસ અને હ્યુમન સોર્સ આધારે વર્ક આઉટ કરી, 600 થી વધુ ડમી પ્રિ-એક્ટિવેટેડ સિમકાર્ડનુ વેચાણ કરનાર તથા ફેક વેબસાઇટ, સિમકાર્ડનો ઉપયોગ કરી છેતરપિંડી કરનાર તથા ન્યુડ કોલ ફ્રોડ તથા શોપીંગ ફ્રોડના મુખ્ય સુત્રધારોને પકડી પાડવામાં સફળતા મેળવી છે.

આ  પ્રકરણમાં સિમકાર્ડ વિક્રેતા વડોદરા ખાતે રહેતા હસન ઉર્ફે દસ્તગીર અકીલભાઈ શેખ, (ઉ.વ. 25), અન્ય એક આરોપી વડોદરાના અલ્તાફ રજાકભાઇ શેખ (ઉ.વ. 25), ત્રીજા આરોપી એવા વડોદરાના સીમ કાર્ડ વિક્રેતા આરીફબેગ સમસુદ્દીન મિરઝા (ઉ.વ. 25), ચોથા આરોપી રાજસ્થાન રાજ્યના ડીંગ જિલ્લાના ગોપાલ રઘુવર ગુર્જર (ઉ.વ. 50), અને અઝરૂ યાદમોહમ્મદ મેવ (ઉ.વ. 20) છઠ્ઠા આરોપી રાજસ્થાન રાજ્યના કરોલી જિલ્લાના દલવિરસિંઘ દિવાનસિંઘ બેનીવાલ (ઉ.વ. 30)ની અટકાયત કરી લેવામાં આવી છે.

- Advertisement -

આરોપીઓ દ્વારા કરવામાં આવેલી મોડેસ ઓપરેન્ડીની કબુલાતમાં તેઓએ 600 થી વધુ પ્રિ-એક્ટિવેટેડ ડમી સિમ કાર્ડ વેચાણ કર્યાની હતા. ગુજરાત રાજ્યના વડોદરા ખાતે કરેલ કાર્યવાહીમાં પકડાયેલ હસન ઉર્ફે દસ્તગીર અકીલભાઈ શેખે ધોરણ દસ સુધીનો અભ્યાસ કર્યો છે. વડોદરાના અલ્તાફ રજજાકભાઇ શેખે ધોરણ 11 સુધીનો અભ્યાસ કરેલ છે. 11 ધોરણ સુધી ભણેલા આરીફબેગ સમસુદ્દીન મિરઝા મળી, ઉપરોકત ત્રણેય આરોપીઓ એરટેલ તથા રિલાયન્સ જિઓના સિમકાર્ડ વિક્રેતા તરીકે છેલ્લા એક વર્ષથી કામ કરે છે. હસન શેખ વડોદરા તાંદલજા ખાતે છત્રી લગાવી સિમકાર્ડનુ વેચાણ કરતો હતો. દોઢ બે વર્ષ પહેલા ડીગ જિલ્લાના એક અજાણ્યા વ્યક્તિ સાથે વડોદરામાં સંપર્ક થયેલ અને તેણે આ હસનને ડમી સિમકાર્ડ આપવાનું જણાવેલ અને એક સિમકાર્ડના 350 રૂપીયા આપવાનુ જણાવેલ હતું, ત્યારબાદ આ હસન તેની પાસે જે લોકો સિમકાર્ડ ખરીદવા આવે તેના પ્રથમ આધાર નંબર મેળવી ફોટો કિંગર લઇ સિમકાર્ડ એકટીવ કરી પોતાની પાસે રાખી લઇ અન્ય સિમકાર્ડ ખરીદનારને આપી દેતો હતો. જે સિમકાર્ડ એક્ટીવ ન થતા ખરીદનાર ફરી તેની પાસે સિમ એકટીવ કરાવવા આવતા સિમ એકટીવ રિપ્રોસેસનુ જણાવી ફરી વખત ફોટો ફિંગર મેળવી સિમકાર્ડ એક્ટીવ કરી આપતો હતો. આ રિતે દિવસના ચાર-પાંચ ડમી સિમકાર્ડ એકટીવ કરી 30-40 સિમકાર્ડ ભેગા કરી રાજસ્થાનના ફ્રોડ વ્યક્તિને કુરીયર કરી આપતો અને કયારેક ડીગ રાજસ્થાન રૂબરૂ જઇ સિમકાર્ડ આપી આવતો હતો. તેમજ હસને પોતાના મિત્ર અલ્તાફ રજજાકભાઈ શેખ અને આરીફબેગ સમસુદ્દીન મિરઝા તથા અન્ય બે મિત્રો સાથે ભેગા મળી એકસંપ થઇ આ રીતે ડમી સિમકાર્ડનુ રેકેટ ચલાવી 600 થી વધુ સિમકાર્ડ હસન દ્વારા ડીગ જિલ્લા ખાતે મોકલી આપવામાં આવેલ છે. જે તમામ સિમ કાર્ડ અલગ-અલગ સાયબર ક્રાઇમના ગુનાઓમાં ઉપયોગ થયેલ છે.

રાજસ્થાનના ડીગ જિલ્લામાં કરેલી કાર્યવાહી દરમિયાન ઘોઘોર ગામના ગોપાલભાઈ રઘુવર ગુર્જર (ઉ.વ. 50) જે અભણ છે, તેણે ઉપર જણાવેલ વડોદરાના રહીશો પાસેથી પોતાના દિકરા ધનસિંગ અને વિક્રમ સાથે મળી પ્રિ-એક્ટિવેટેડ ડમી સિમકાર્ડ ખરીદ કરી અલગ-અલગ સાયબર ક્રાઇમ કરનાર ગુન્હેગારોને વેચાણ કરેલ હોવાની કબુલાત કરેલ છે. સદર ગોપાલ રઘુવર ગુર્જરની પુછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ રહેલ છે.

રાજસ્થાન રાજ્યનાં કરોલી જિલ્લામાં કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન પકડાયેલો દલવિરસિંઘ બેનીવાલ એમ.ટેક. નો અભ્યાસ કરી ચૂક્યો છે. જેણે ફેસબુક ઉપર મંડપ સર્વિસના સામાન વેચાણ લગત ફેક એડ બનાવી તેને ફેસબુક ઉપર પોસ્ટ કરતા ખંભાળિયાના મંડપ સર્વિસ વાળા મનીષભાઈ સામાણીએ ફેસબુક ઉપર પોસ્ટ જોઇ પોતાને જરૂરી લાગતા સામાનનો ઓર્ડર પોસ્ટમાં જણાવેલ મોબાઇલ નંબર ઉપર કોલ કરી આપેલ હતો. સદર આરોપીએ 30,000 રૂપિયા ઓનલાઇન મેળવીને સામાન નહી મોકલી છેતરપિંડી કરેલ હતી. આ રીતે અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરેલ છે, જેની તપાસ ચાલુ છે.

રાજસ્થાન રાજ્યના ડીગ જિલ્લામાં કરેલી કાર્યવાહી દરમિયાન પહાડી પોલીસ સ્ટેશનવિસ્તારમાં આવેલ ઘીસેરા ગામમાં સ્થાનિક પહાડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.ને સાથે રાખી રેડ કરતા અઝરૂ યાદમોહમ્મદ મેવ (ઉ.વ. 20) ને 5 સ્વેપ મશીન (પી.ઓ.એસ. મશીન), 3 બેન્ક ચેક બુક, 15 એ.ટી.એમ. કાર્ડ, 6 મોબાઇલ ફોન અને 28 પ્રિ-એક્ટિવેટેડ ડમી સિમ કાર્ડ સાથે પકડી પાડી ઓનલાઇન ન્યુડ વિડીઓ કોલ રેકેટનો પર્દાફાશ કરેલ છે. સદર કાર્યવાહી બાબતે સ્થળ ઉપરથી ઓનલાઇન ન્યુડ વિડીઓ કોલનો ગુન્હો આચરતા પકડાયેલ હોય સ્થાનિક પહાડી પોલીસ સ્ટેશન ખાતે સ્થાનિક પોલીસ મારફતે ગુન્હો દાખલ કરાવેલ છે. આ આરોપીએ અન્ય લોકો સાથે મળી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારના એક વ્યક્તિ સાથે ન્યુડ વિડીઓ કોલ કરી તેનુ સ્ક્રીન રેકોર્ડીંગ કરી ત્યાર બાદ તે વિડીઓ આધારે બ્લેક મેઈલીંગ કર્યું હતુ. વધુમાં જે સ્ત્રીનો ન્યુડ વિડીઓ કોલમાં દેખાયેલ તે જ સ્ત્રીની ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરેલો ફોટો મોકલી ત્યારબાદ યુ-ટુબર બની આ ન્યુડ વિડીઓ કોલ રેકોર્ડીંગ અને આત્મહત્યાની ફેક ફોટો અને ફેક સ્યુસાઇડ નોટ આધારે આત્મહત્યાના દુષ્પ્રેરણા ગુન્હો દાખલ કરાવવાની ધમકીઓ આપી રૂ. 89,000 ની ઓનલાઇન છેતરપિંડી કરી છે. આ પ્રકારના બનાવોમાં ભોગ બનનાર વ્યક્તિ સામાજીક પ્રતિષ્ઠા ગુમાવવાના ડરથી આત્મહત્યા સુધીનુ પગલુ ભરી લેતા હોય છે. જેથી ભોગ બનનારની ઓળખ જાહેર કરાઈ નથી.

એક માસ પહેલા કાર્યવાહીમાં ઉતરપ્રદેશ રાજ્યના લખનઉ ખાતેથી નિરજ સદાનંદ તિવારીની ધરપકડ કરવામાં આવી હતી. જેમા ફેક હોટલ બુકીંગ ફ્રોડ અનુસંધાને 100 થી વધુ ફેક વેબસાઇટ અને 50 થી વધુ ગુગલ એડ્સ બનેલ હોવાના પુરાવાઓ મળી આવેલ હતા. આમ, ફેક હોટલ બુકીંગ ફ્રોડમાં ફેક વેબસાઇટ કે ગુગલ એડ્સ બનાવનાર, પ્રિએક્ટિવેટેડ ડમી સિમ કાર્ડ વેચનાર,મેળવનાર, ઉપયોગ કરનારની ધરપકડ કરેલ છે. આમ, ફેક હોટલ બુકીંગના બનતા ગુનાઓ શોધવા અને અટકાવવાની દિશામાં સાયબર ક્રાઇમ સેલ દ્વારકા પોલીસને સફળતા મળી છે.

આ સમગ્ર કાર્યવાહીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને દ્વારકા, ખંભાળિયા, આણંદ, અંબાજી, પહાડી (રાજસ્થાન), ગોધરા વિગેરે પોલીસ મથકના 10 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

આ સમગ્ર કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લા સાઇબર ક્રાઇમ સેલના પી.આઈ. એ.વાય. બલોચ, પી.આઈ. જે.જે. ચૌહાણ, વાડીનાર મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. એ.બી. જાડેજા, સુનીલભાઇ વી. કાંબલીયા, ઈરફાનભાઇ ખીરા, ધરણાંતભાઈ બંધિયા, મુકેશભાઇ એ. કેશરીયા, હેમંતભાઇ કરમુર,  રાજુભાઇ ઢેબાણીયા, લાખાભાઇ પીંડારીયા, સંજયભાઇ બરારીયા, હેભાભાઈ ચાવડા, પબુભાઇ ગઢવી, મુકેશભાઈ નંદાણીયા, વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

સીમકાર્ડ લે-વેચ તેમજ વિવિધ પ્રકારના વોટ્સએપ કોલ અને ઓનલાઈન પેમેન્ટ વિગેરે બાબતે જાગૃત રહેવા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular