જાન્યુઆરી મહિનો શરૂ થઇ ગયો હોવા છતાં રાજયના જીનીંગ યુનિટોમાં પુરતા પ્રમાણમાં કપાસની આવક થઇ રહી નથી. પાક સંગ્રહ કરવાની કેપેસિટી વધતા મોટાભાગના ખેડૂતો આ વર્ષે નીચા દરે કપાસનું વેચાણ કરવા તૈયાર નથી જેનાથી રાજયમાં જીનીંગ સેક્ટર પર પ્રતિકૂળ અસર થઇ છે. ઉદ્યોગપતિઓના જણવ્યા અનુસાર, આવું કદાચ પહેલી વાર બન્યું છે કે જાન્યુઆરીમાં લગભગ 60 % જિનિંગ યુનિટ કાચા માલની અનુપલબ્ધતાને કારણે બંધ રહ્યા છે.
જાણકારોના મતે, હવે ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો કપાસના પાકનું વેચાણ પહેલાની જેમ કરતા નથી. ડિસેમ્બરના અંત સુધીમાં સમગ્ર દેશમાં કપાસના પાકની આવકમાં લગભગ 15% ઘટાડો થયો છે. જેથી કપાસના ભાવમાં વધારો થયો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય કપાસની સ્પર્ધાત્મકતાને અસર થઈ.
સૌરાષ્ટ્રના એક જીનીંગ યુનિટના માલિકના જણાવ્યા પ્રમાણે પ્રથમ વખત અમે એવી પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ કે જયાં ખેડૂતો કપાસનું વેચાણ નથી કરી રહ્યા, જેના કારણે જાન્યુઆરીમાં અનેક જિનિંગ એકમો બંધ કરવાની ફરજ પડી હતી. ગુજરાતમાં લગભગ 1,300 જીનીંગ એકમો છે, પરંતુ હાલમાં માત્ર 40% જ કાર્યરત છે. મહારાષ્ટ્રમાં પણ આવી જ સ્થિતિ છે. જિનિંગ સેક્ટર માટે નવેમ્બરથી જાન્યુઆરી પીક ટાઈમ છે. સૌરાષ્ટ્રના એકમો દક્ષિણ ભારતીય સ્પિનિંગ મિલોને કાચા કપાસની ગાંસડી સપ્લાય કરે છે. જેની ખરીદી પણ હાલમાં બંધ જેવી જ છે.
નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સામાન્ય રીતે દર વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં 35% કપાસની આવક નોંધાય છે. આ વર્ષે તે 27 ટકા નોંધાયું છે કારણ કે ભાવ પાછલા વર્ષ કરતા ઓછા છે. ગુજરાતના કપાસના ખેડૂતો પાસે વધુ સ્ટોરેજ ક્ષમતા છે અને તેઓ ઊંચા ભાવની અપેક્ષાએ કપાસનું વેચાણ કરતા નથી.