રાજ્યમાં તમામ બોર્ડની પ્રાથમિક સ્કૂલોમાં 2024 સુધીમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવામાં આવશે. સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2018માં ગુજરાતી માધ્યમ સિવાયની તમામ બોર્ડની સ્કૂલોમાં ગુજરાતી વિષય ફરજિયાત કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ તબક્કાવાર આગળના ધોરણમાં તેનો અમલ કરવાની જાહેરાત કરાઈ હતી. હાલમાં રાજ્યમાં ધોરણ-6 સુધીની સ્કૂલોમાં ગુજરાતી વિષય ફરજિયાત કરવામાં આવ્યો છે. ત્યારબાદ 2023થી શરૂ થતાં શૈક્ષણિક સત્રમાં ધોરણ-7માં અને 2024માં ધોરણ-8માં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવામાં આવશે. આમ, 2024થી રાજ્યની તમામ બોર્ડની તેમજ તમામ માધ્યમની પ્રાથમિક સ્કૂલોમાં ગુજરાતી વિષય ફરજિયાત થશે.
રાજ્યમાં આવેલી ગુજરાતી માધ્યમ સિવાયની કોઈપણ બોર્ડની કે કોઈપણ માધ્યમની પ્રાથમિક શાળાઓમાં જૂન-2018થી શરૂ થતાં શૈક્ષણિક સત્રથી ગુજરાતી વિષય ફરજિયાત બનાવવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જૂન-2018થી ધોરણ-1 અને 2માં પરિચયાત્મક ગુજરાતી ભાષાનું શિક્ષણ આપવાનું નક્કી કરાયું હતું. ત્યારબાદ તબક્કાવાર વર્ષોમાં અન્ય ધોરણમાં પણ ગુજરાતી વિષય ફરજિયાત કરવા માટે નિર્ણય કરાયો હતો. આ માટેનો અભ્યાસક્રમ ગુજરાત શૈક્ષણિક સંશોધન પરિષદ દ્વારા તૈયાર કરવા માટેની સૂચના પણ અપાઈ હતી. આમ, 2018માં ધોરણ-1 અને 2માં અમલ શરૂ કરવાનું નક્કી કરાયું હતું. ત્યારબાદ 2019માં રાજ્યની સ્કૂલોમાં ધોરણ-3માં ગુજરાતી માધ્યમ સિવાયની સ્કૂલોમાં ગુજરાતી વિષય ફરજિયાત કરવામાં આવ્યો હતો.
આ જ રીતે 2020માં ધોરણ-4માં, 2021માં ધોરણ-5માં અને 2022માં ધોરણ-6માં ગુજરાતી વિષય ફરજિયાત કરવામાં આવ્યો હતો. હવે આગામી વર્ષે એટલે કે જૂન-2023થી રાજ્યની સ્કૂલોમાં ધોરણ-7માં ગુજરાતી વિષય ફરજિયાત કરવામાં આવશે અને જૂન-2024થી શરૂ થતાં શૈક્ષણિક વર્ષથી ધોરણ-8 સાથે તમામ પ્રાથમિક સ્કૂલોના તમામ ધોરણમાં ગુજરાતી વિષય ફરજિયાત થશે. રાજ્યમાં છેલ્લા કેટલાક દાયકાથી ગુજરાત બોર્ડ સિવાયના CBSE, ICSE, IB, SGBSE, CIC વગેરે બોર્ડ સાથે સંલગ્ન પ્રાથમિક સ્કૂલોની સંખ્યા સતત વધી રહી છે. આ પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હોય છે અને અન્ય ભાષા તરીકે હિન્દી અને વિદેશી ભાષાઓ શીખવવામાં આવે છે, પરંતુ ગુજરાતી ભાષા શીખવવામાં આવતી નથી. આમ, થવાથી માતૃભાષા ગુજરાતીના અપેક્ષિત જ્ઞાનથી બાળકો વંચિત રહે છે. આ પરિસ્થિતિ નિવારવા માટે રાજ્યમાં આવેલી ગુજરાતી માધ્યમ સિવાયની કોઈપણ બોર્ડની કે કોઈપણ માધ્યમની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો હતો. શિક્ષણ વિભાગ દ્વારા 2018માં ગુજરાતી વિષય ફરજિયાત કરવા માટે નિર્ણય લેવાયા બાદ તેનો સ્કૂલોમાં યોગ્ય રીતે અમલ થાય છે કે કેમ તે તપાસવાનું ભૂલાઈ ગયું હતું.