Sunday, December 22, 2024
Homeસ્પોર્ટ્સ‘ગુજરાત ટાઇટન્સ’ IPLની ફાઇનલમાં

‘ગુજરાત ટાઇટન્સ’ IPLની ફાઇનલમાં

આ વર્ષે જ આઇપીએલમાં એન્ટ્રી મેળવનાર ગુજરાતની ટીમનું શાનદાર પર્ફોમન્સ : રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું

- Advertisement -

આ વર્ષે જ આઇપીએલમાં નવી ટીમ તરીકે એન્ટ્રી મેળવનાર ગુજરાતની ટીમ ‘ગુજરાત ટાઇટન્સે’ સમગ્ર સીઝનમાં શાનદાર પર્ફોમન્સ કરી આઇપીએલની ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.

- Advertisement -

હાર્દિક પંડયાની કપ્તાનીવાળી ગુજરાત ટાઇટન્સે ગઇકાલે રમાયેલાં કવોલિફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સને એક કલોઝ મુકાબલામાં 7 વિકેટે પરાજય આપ્યો હતો. મીલરની 38 બોલમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથેની અણનમ 68 રનની ઈનિંગ તેમજ તેની અને હાર્દિક પંડયા વચ્ચેની 61 બોલમાં 106 રનની અણનમ ભાગીદારીને સહારે ગુજરાતે ટાઈટન્સે રાજસ્થાનને સાત વિકેટથી હરાવીને આઇપીએલની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે ગુજરાત 29મી મે ને રવિવારે અમદાવાદ આઇપીએલની ફાઈનલ રમશે. તે અગાઉ રાજસ્થાન રોયલ્સ 27મીએ લખનઉ કે બેંગ્લોર સામે ક્વોલિફાયર ટુ રમશે. જેમાંથી વિજેતા ટીમ ફાઈનલમાં પ્રવેશશે. ગુજરાતને જીતવા માટે આખરી ઓવરમાં 16 રનની જરુર હતી, ત્યારે પ્રસિધ ક્રિશ્નાની બોલિંગમાં મીલરે શરૃઆતના ત્રણ બોલ પર ત્રણ સિક્સર ફટકારતાં ટીમને ફાઈનલમાં પ્રવેશ અપાવ્યો હતો. ગુજરાતે 189 રનના ટાર્ગેટને 19.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. હાર્દિક પંડયા 27 બોલમાં 40 રને અણનમ રહ્યો હતો. સહાની વિકેટ 0 પર ગુમાવ્યા બાદ ગિલ અને વેડની જોડીએ 72 રનની ભાગીદારી કરી હતી. જે પછી હાર્દિક અને મીલરે બાજી સંભાળી હતી. અગાઉ બટલરની 56 બોલમાં 89 રનની ઈનિંગને સહારે રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઈટન્સને ક્વોલિફાયર વનમાં જીતવા માટે 189 રનનો પડકાર આપ્યો હતો. બટલરની આક્રમક ઈનિંગ તેમજ કેપ્ટન સેમસનના 47 રનની મદદથી રાજસ્થાને છ વિકેટે 188 રન નોંધાવ્યા હતા. બટલર અને સેમસનની જોડીએ 47 બોલમાં 68 રનની ભાગીદારી કરી હતી. રાશિદે અસરકારક બોલિંગ કરતાં 4 ઓવરમાં 15 રન જ આપ્યા હતા, પણ તેને એકેય વિકેટ મળી નહતી. કોલકાતામાં વરસાદી માહોલ વચ્ચે રમાયેલી આઇપીએલની ક્વોલિફાયર વનમાં ગુજરાત ટાઈટન્સના હાર્દિક પંડયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. યશ દયાલે યશસ્વી જયસ્વાલની વિકેટ ઝડપી હતી. જે ત્રણ રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. બટલરે શરૃઆત ખુબ જ ધીમી કરી હતી. તેણે સેમસનને સપોર્ટ કર્યો હતો. સેમસને 26 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 47 રન ફટકાર્યા હતા. સાઈ કિશોરે તેને ત્રણ રન માટે અડધી સદીથી વંચિત રાખ્યો હતો. તેનો કેચ જોસેફે કર્યો હતો. બટલરે પડિક્કલ (28) સાથે મળીને 37 રન જોડયા હતા. પડિક્કલ આઉટ થયો તે પછી બટલરે આગવી સ્ટાઈલમાં રમવાનું શરૂ કર્યું હતુ. તેણે હેતમાયર સાથે 26 બોલમાં 45 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીમાં હેતમાયરના માત્ર ચાર રન હતા. બટલરે 12 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 89 રન નોંધાવ્યા હતા.ગુજરાત તરફથી શમી, દયાલ, સાઈ કિશોર અને હાર્દિક પંડયાએ 1-1 વિકેટ ઝડપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular