સમગ્ર દેશમાં આરોગ્યલક્ષી સેવામાં ગુજરાતે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. નીતી આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અંતર્ગત રાજ્યની આરોગ્યલક્ષી સારવારમાં રાજ્ય 86 માર્ક્સ સાથે દેશભરમાં પ્રથમ આવ્યું છે. આરોગ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ જણાવ્યું છે.
નીતિ આયોગના આરોગ્યલક્ષી સારવાર સંદર્ભના ૧૦ સૂચકાંકો દ્વારા પસંદગી કરવામાં આવી છે. જેમાં માતા મૃત્યુ દરનું પ્રમાણ, પાંચ વર્ષ સુધીનાં બાળકોમાં મૃત્યુદર, રસીકરણ કવરેજ, ટ્યુબરક્યુલોકસીસ (ક્ષય રોગ), એચ.આઈ.વી., આત્મહત્યાનું પ્રમાણ,રોડ ટ્રાફિક અકસ્માતમાં મૃત્યુનું પ્રમાણ, સંસ્થાકીય પ્રસુતિનું પ્રમાણ, આરોગ્ય પર માસિક માથાદીઠ આઉટ ઓફ પોકેટ ખર્ચ તથા દર ૧૦,૦૦૦ ની વસ્તીએ ઉપલબ્ધ ચિકિત્સક, નર્સ અને મિડવાઇફનરી સુવિધાઓનો સમાવેશ થાય છે.
આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને ઘરઆંગણે સત્વરે આરોગ્યલક્ષી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. જેની ભારત નીતિ આયોગે પણ નોંધ લઇને ગુજરાતની આરોગ્ય સેવાઓને ૮૬ ના ઇન્ડેક્ષ સૂચકાંક (માર્ક્સ) સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ આપ્યો છે.
ભારત સરકાર દ્વારા છેલ્લાં પાંચ વર્ષથી એસ.ડી.જી. સંબંધિત ઈન્ડેક્ષની શ્રેણી ચલાવવામાં આવી રહી છે, જેમાં નીતિ આયોગ દ્વારા એસ.ડી.જી.ની પ્રાથમિકતાઓને ધ્યાને લઈ “ઇન્ડિયા ઇન્ડેક્ષ અને ડેશબોર્ડ” તૈયાર કરવામાં આવે છે. રાષ્ટ્રીય અને રાજકીય સ્તરે થયેલ પ્રગતિની દેખરેખ હેઠળ આરોગ્ય માટેની વિવિધ સરકારી યોજનાઓ, જેવી કે આયુષ્માન ભારત, પોષણ અભિયાન, સ્વચ્છ ભારત અભિયાનનું સુચારૂ અમલીકરણ તથા રાજ્યો,કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે સ્વસ્થ સ્પર્ધાની સાથે સાથે રાજ્યો દ્વારા કરેલ નવીન પહેલ અને તેની પ્રગતિનું નિરીક્ષણ કરવામાં આવે છે. આ તમામ બાબતે ગુજરાત દેશભરમાં પ્રથમ રહ્યું છે.