ત્રણ દિવસથી રાજ્ય સરકાર પાંચ વર્ષની ઉજવણી કરી રહી છે. નવ દિવસના આ સેલિબ્રેશનમાં આગામી શુક્રવારે ગુજરાતના 50 હજાર નાગરિકોને રોજગારીના નિમણૂકપત્રો આપવા સરકારી વિભાગોથી લઈને ઔદ્યોગિક- વ્યવસાયિક એકમોને લક્ષ્યાંક આપ્યો છે. તેવામાં મંગળવારે ભારત સરકારના રિપોર્ટમાં કોરોનાકાળમાં મનરેગા હેઠળ 100 દિવસ રોજગારી આપવામાં ગુજરાત સરકાર નિષ્ફળ રહ્યાંનું ચિત્ર ઉપસ્યું છે. ગ્રામીણ મંત્રાલયના રિપોર્ટમાં ગુજરાતમાં વર્ષ 2020-21માં 14.08 લાખ પરિવારને કામ મળ્યાનું જાહેર થયું છે. જો કે, તે પૈકી માત્ર 17,237 પરિવારોને જ 100 દિવસની રોજગારી મળી છે.
ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની તકો ઉપલબ્ધ થાય, સ્થળાતંર અટકે તો ગામડા તૂટે નહિ અને અર્થતંત્રમાં સંતુલન જળવાય તે ઉદ્દેશ્યથી ભારત સરકારે વર્ષ 2005થી મનરેગા એક્ટ હેઠળ નાગરિકોને લઘુત્તમ 100 દિવસની રોજગાર ગેરંટીનો અધિકાર આપ્યો છે. ગત વર્ષે લોકડાઉન અમલમાં આવતા શહેરોમાંથી મોટાપાયે ગામડાઓમાં સ્થળાંતર થયું. આથી, ભારત સરકારે દેશના તમામ રાજ્યોને મોટાપાયે મનરેગા હેઠળ કામો શરૂ કરી નાગરિકોને રોજગારી પુરી પાડવા આદેશ કર્યો હતો. ગુજરાતમાં દૈનિક રૂા.224ના વેતને કામ કરવા માટે કોરોનાની શરૃઆતથી જ વર્ષ 2020-21માં 14,0584 પરિવારોએ તૈયારી દર્શાવી હતી, કામ માંગ્યુ હતુ. જો કે, ગુજરાત સરકારે 14,08,439ને જ મનરેગા હેઠળ કામ આપ્યું છે. તેમાંય કાયદા મુજબ 100 દિવસ તો માત્ર 17,237 પરિવારોને જ રોજગારી મળી છે. ગુજરાત કરતાં પાડોશી રાજ્યો અને ઉત્તરપ્રદેશ, કર્ણાટક, ઓડિસા, બિહાર જેવા રાજ્યો પોતાને ત્યાં મનરેગા હેઠળ ગરીબ, શ્રમિક પરિવારોને રોજગારી આપવામાં આગળ રહ્યાં છે.
ગ્રામીણ વિકાસ મંત્રાલયના રિપોર્ટમાં કોરોનાકાળમાં ભારતમાં 389 કરોડ શ્રમ દિવસોનું સર્જન કર્યાના દાવો થયો છે. જે અગાઉના વર્ષ 2019-20 કરતા 47 ટકા વધુ છે. એટલું જ નહિ, કોરોનાકાળના વર્ષ 20-21માં 1.89 કરોડ નવા જોબકાર્ડ સાથે 7.55 કરોડ પરિવારોને મનરેગા હેઠળ રોજગારી આપ્યાનું પણ જણાવ્યું છે. જે અગાઉના વર્ષ કરતા 38 ટકા વધુ છે. આ વૃદ્વિ વચ્ચે દેશના અન્ય રાજ્યોની તુલનાએ ગ્રામીણ ગુજરાતમાં મનરેગાના અમલમાં રાજ્ય સરકારનો દેખાવ સંપૂર્ણ નિરસ રહ્યો છે.
મનરેગાના અમલમાં ગુજરાત સરકારનો દેખાવ નિરસ !: ભારત સરકારનો રિપોર્ટ
બીજી બાજુ શુક્રવારે ગુજરાત સરકાર ‘ઉજવણી’ અંતર્ગત રોજગારીના નિમણૂંક પત્રો આપવાની છે