ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી 27મી સપ્ટેમ્બરે યોજવાની સંસદીય બાબતોના રાજ્યકક્ષાના મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે. અલબત્ત આ સત્ર માત્ર બે જ દિવસનું રહેશે. આ સત્રમાં ચાર સરકારી વિધેયકો લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપણા હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં પ્રસ્તુત નિર્ણય લેવામાં આવ્યો હતો. બે દિવસના સત્રના આરંભે ગુજરાત વિધાન સભાના 18 જેટલા દિવંગત પૂર્વ મંત્રીઓ અને સભ્યો માટે શોકદર્શક ઠરાવ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ ચાર સરકારી વિધેયક રજૂ કરવામાં આવશે.
સૌ પ્રથમ એનઆરઆઈને સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ આપવા માટે ગુજરાત પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશન કોલેજિસ એન્ડ ઇન્સ્ટિટયૂશનને લગતા કાયદામાં સુધારો સૂચવતું વિધેયક રજૂ કરવામાં આવશે. તદુપરાંત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ભલામણ મુજબ હાલના કાયદામાં સુધારો કરવા માટે વિધેયક લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જ રીતે ગ્રાન્ટ ઇન એઈડ કોલેજોને પ્રાઈવેટ યુનિવર્સિટીઓના એફિલિયેશનમાંથી દૂર કરવા માટે પ્રાઈવેટ યુનિવર્સિટી એમેન્ડમેન્ટ બિલ પણ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. તેમ જ પાર્ટનરશીપ એક્ટમાં સુધારો સૂચવતું અને ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે અરજી કરવાની જોગવાઈ કરતું વિધેયક અંગે પણ વિધાનસભાના સત્રમાં ચર્ચા કરવામાં આવશે.
દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. તેના સંદર્ભમાં પણ વિધાનસભાના ચોમાસું સત્રમાં સરકારી સંકલ્પ રજૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.