ધર્મસ્થાનકમાં રાજકિય નિવેદન થતાંની સાથે જ ગુજરાતના રાજકારણમાં વધુ એક વખત જ્ઞાતિવાદના રાક્ષસે ફુંફાડો માર્યો છે. રાજ્યના વિકાસને બ્રેક ન લાગે અને રાજ્યનું વાતાવરણ ડહોળાય નહીં એવી અપેક્ષા સામાન્ય પ્રજાજનો રાખી રહ્યા છે.
ખોડલધામમાં પાટીદાર આગેવાનોની બેઠકમાં વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી પાટીદાર હશે તે મુદ્દે રાજકીય ચર્ચા થતાં હવે પાટીદાર પોલિટિક્સ જામ્યુ છે. એટલું જ નહીં,પાટીદાર નેતાઓમાં જ અંદરોઅંદર તડાં પડયાં છે.
ભાજપના નેતાઓ જ ખુલ્લેઆમ મોરચો માંડી કહ્યું કે, વર્ષ 2022માં મુખ્યમંત્રી ભાજપ પાર્ટી નક્કી કરશે.સૌને સાથે રાખનારાં મુખ્યમંત્રી બનવા જોઇએ.પાટીદાર આગેવાનોની બેઠક બાદ ભાજપ તરફી પાટીદાર ધારાસભ્યો,નેતાઓ નારાજ થયા છે. આ બધાએ એક સૂરે એમ પણ કહ્યું કે આવાં ધાર્મિક સ્થળોનો ઉપયોગ રાજકીય પ્રવૃત્તિ માટે ન કરવો જોઇએ.
વિધાનસભાની ચૂંટણીને આડે એકાદ વર્ષ બાકી છે ત્યારે પાટીદારોએ મુખ્યમંત્રી પદ માંગતાં ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે. પાટીદાર અગ્રણી નરેશ પટેલે એવો મત વ્યક્ત કર્યો હતોકે, ગુજરાતમાં પાટીદારોને રાજકીય પ્રભુત્વ મળે તે માટે બેઠકમાં ચર્ચા કરાઇ હતી.
આ ઉપરાંત વર્ષ 2022માં પાટીદાર મુખ્યમંત્રી હોવા જોઇએ તેવી ઇચ્છા છે. નરેશ પટેલે આમ આદમી પાર્ટીના રાજકીય વખાણ કર્યા હતાં અને કોરોનામાં ભાજપની કામગીરીની ટીકા કરી હતી. આ કારણોસર ભાજપના પાટીદાર નેતાઓ નારાજ થયાં છે. ખોડલધામનો રાજકીય પ્લેટફોર્મ તરીકે ઉપયોગ થયો છે તે મુદ્દે પણ પાટીદારમાં ગણગણાટ શરૂ થયો છે.
ભાજપના નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે,ખોડલધામની સ્થાપ્ના જ લેઉવા સમાજના ઉત્થાન માટે થઇ હતી. નરેશ પટેલે જ ખાતરી આપી હતી કે,ખોડલધામમાં રાજકારણમાં નહી થાય.આ પ્લેટફોર્મ પર રાજકીય પ્રવૃતિ થશે નહીં.
પાટીદાર મુખ્યમંત્રી હોવા જોઇએ તે અંગે ભાજપી નેતાનું કહેવુ છેકે, સૌને સાથે રાખનારો વ્યક્તિ મુખ્યમંત્રી બનવો જોઇએ. જોકે, નરેશ પટેલના રાજકીય નિવેદનને પગલે ભાજપના ધારાસભ્યો નારાજ થયાં છે એમણે એ વાતનો સ્વિકાર કર્યો કે, વહીવટી પ્રક્રિયામાં વિવાદ છે. ફક્ત પાટીદારોને જ નહીં,બીજા સમાજને અન્યાય થઇ રહ્યો છે.
નરેશ પટેલે આપનું ભવિષ્ય ઉજળુ છે તેવુ નિવેદન આપ્યુ હતું તે અંગે પણ ભાજપના નેતાઓ કહી રહ્યાં છેકે,ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કોઇ રાજકીય ફાયદો થવાનો નથી.આ માત્ર નરેશ પટેલનુ અંગત માનવુ છે. આમ,પાટીદારોની બેઠક બાદ પાટીદાર અગ્રણી અને ભાજપના નેતાઓ વચ્ચે મતમતાંતર સર્જાયા છે.
અલ્પેશ ઠાકોરે ચીપિયો ખખડાવ્યો, ઓબીસી, એસસી-એસટી મુખ્યમંત્રી હોવા જોઇએ
પાટીદારોએ મુખ્યમંત્રીપદ માંગ્યુ છે ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર પણ મેદાને આવ્યાં છે. અલ્પેશ ઠાકોરે ઓબીસી,એસટી-એસટીને મુખ્યમંત્રી બનાવવા જોઇએ તેવી માંગ કરી હતી. ગુજરાતમાં પાટીદારો સમક્ષ સમાજ છે અને આ સમાજને કોઇ અન્યાય થયો નથી. અન્યાય માત્ર ગરીબ સાથે જ થાય છે તેવો ઉલ્લેખ કરતાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, ભાજપ સરકારમાં છ કેબિનેટ મંત્રી અને ખુદ નાયબ મુખ્યપ્રધાન પાટીદાર છે તો અન્યાય કેવો… જો આવી બેઠક અમે કરી હોત તો અમને જ્ઞાાતિવાદ-જાતિવાદમાં ગણી લીધા હોત.સમૃધ્ધ સમાજ બોલે તો,તેના લેખાજોખા થાય છે જયારે ગરીબો બોલે તો રાજકીય ટીકાટિપ્પણી થાય છે. ધાર્મિક સ્થળોએ રાજકીય વાત કરવી પણ યોગ્ય નથી.