ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર બે દિવસ પૂર્વે એક એસ.ટી. બસની હડફેટે ઘવાયેલા પરપ્રાંતીય યુવાનનું કરુણ મૃત્યુ નીપજયું હતું.

આ અંગેની વિગત એવી છે કે ખંભાળિયાથી જામનગર તરફ જતા હાઈ-વે પર અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર અશોક શોરૂમની સામેના રોડ ઉપર જાંબુઆ જિલ્લાના અતાડેલી ગામનો અમરસિંગ રાજસિંહ મેળા નામનો 30 વર્ષનો યુવાન ગત 29 મી ના રોજ સાંજે સાડા સાતેક વાગ્યે ચાલીને જઇ રહ્યો હતો, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલી એસ.ટી. બસ નંબર જી.જે. 18, 3661ના ચાલકે અમરસિંગને અડફેટે લીધો હતો. જેના કારણે તેને શરીરના જુદા જુદા ભાગોમાં ઈજા થતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ અબરૂભાઈ રાજસિંહભાઈની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે એસ.ટી. બસના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (એ) અને એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.