સૌરાષ્ટ્રમાં સપ્ટેમ્બર મહિનામાં થયેલા ભારે પરિણામે અનેક ખેતરોમાં ધોવાણ થયું છે. સૌરાષ્ટ્રના 4જીલ્લા જામનગર, રાજકોટ, જુનાગઢ અને પોરબંદરના ખેડૂતો માટે સરકારે સહાય જાહેર કરી છે. સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું તેમાં જામનગર જીલ્લાના 320 ગામ, રાજકોટ જીલ્લાના 156 ગામ, જુનાગઢ જીલ્લાના 135 ગામ, પોરબંદર જીલ્લાના 17 ગામના ખેડૂતોને સહાય ચુકવવામાં આવશે.
આ રાહત સહાય પેકેજનો લાભ મેળવવા માટે તારીખ 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આવી અરજી કરવાની કોઈ ફી ચૂકવવાની રહેશે નહી.
અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને 33 ટકા કે તેથી વધુ નુકશાની હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ.13,000 સહાય ચૂકવાશે.
એસડીઆરએફની જોગવાઈમાંથી બિનપિયત પાક તરીકે વધુમા વધુ 2 હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ રૂ.6800 અપાશે, બાકીની તફાવતની હેક્ટર દીઠ રૂ. 6200 મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી અપાશે. SDRFના ધારાધોરણો મુજબ 5 હજાર કરતા ઓછી રકમ સહાય ચૂકવવાપાત્ર હોય તો પણ ખાતાદીઠ 5 હજાર ઓછામાં ઓછા ચૂકવાશે અને તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવાની રહેશે.
જીલ્લા ખેડૂત ખાતેદારના બેંક એકાઉન્ટમાં રકમ જમા થશે. જે ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હોય તેવા કિસ્સામાં સહાય એક જ વખત મળશે.
વનઅધિકારપત્ર સનદ હેઠળ મેળવેલી જમીનના ખેડૂતોને પણ તથા વન વિસ્તારના સેટલમેન્ટ ગામોમાં ખેતી કરતા અસરગ્રસ્ત ખેડૂતોને પણ જરૂરી આધાર પુરાવા રજૂ કર્યેથી સહાયનો લાભ મળશે.
રાહત સહાય પેકેજનો લાભ મેળવવા ઈચ્છુક અસરગ્રસ્ત ખેડૂતે 8–અ,તલાટીનો વાવેતરનો દાખલો, 7-12 , આધાર નંબર, બેંક ખાતાની વિગતો સાથેની પાસબુકની નકલ, મોબાઈલ નંબર તેમ જ સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં એક જ ખાતેદારને લાભ અપાય તે અંગે અન્ય ખાતેદારોની સહી સાથેનું ના-વાંધા સંમતિપત્રક વગેરે સાથે તાલુકા વિકાસ અધિકારીને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે ખાતેદારના મૃત્યુના કિસ્સામાં તેના વારસદારોએ પેઢીનામું રજૂ કરવાનું રહેશે. અને કોઈ એક જ વારસદારને સહાય મળવાપાત્ર થશે.
જોકે સરકાર દ્વારા 4 જિલ્લાના ખેડૂતો માટે જ સહાયની જાહેરાત કરતા અન્ય જિલ્લાના ખેડૂતો નારાજ થયા છે. આ સાથે જ કિસાન સંઘે પણ સહાય પર સવાલ ઉઠાવ્યા છે.