સરેરાશ ભારતીય વર્ષે રૂા.1.3 લાખથી વધુનો ખર્ચ કરી શકતો નથી કારણ કે, તેની વાર્ષિક આવક પણ આ આંકડાની લગભગ આસપાસ છે. આ આંકડાઓ સતાવાર છે.
પ્રત્યેક ભારતીયની દૈનિક આવકનો લગભગ ત્રીજો ભાગ એક લિટર પેટ્રોલની કિંમત જેટલો છે. જેને કારણે દેશવાસીઓને મોંઘું પેટ્રોલ પોસાતું નથી. એશિયાના અન્ય દેશોમાં લોકોની આવક પ્રમાણમાં વધુ હોવાથી તેઓને પેટ્રોલના ભાવો પોસાય છે. પરંતુ ભારતમાં સ્થિતિ જુદી છે, ચિંતાજનક છે.
કરોડો ભારતીયો એવા છે જેઓની આવક સરેરાશ ભારતીયની આવક કરતાં પણ ઓછી છે, તેના માટે પેટ્રોલના આ ભાવો રાક્ષસી પૂરવાર થઇ રહ્યા છે. વૈશ્વિક સ્તરે જાન્યુઆરી-જૂન દરમ્યાન ક્રૂડના ભાવો વધ્યા છે. તે ખરૂં પરંતુ ભારતમાં ઉંચા વેરાઓના કારણે પેટ્રોલ ખૂબ મોઘું છે. સરકાર પ્રિમિયમ (વૈભવી) ચીજો પર જે કસ્ટમ ડયૂટી વસૂલે છે તે રીતે પેટ્રોલ પર વેરાઓ વસૂલી રહી છે. ઉંચી કિંમતના શરાબ કે મોંઘાદાટ બાઇક પર જે કસ્ટમ ડયૂટી વસૂલવામાં આવે છે. તે રીતે પેટ્રોલ પર ઉંચો વેરો વસૂલવામાં આવે છે !
અમેરિકામાં ઇંધણ(ગેસોલીન) પર 20% અને બ્રિટનમાં 60% વેરો છે. ભારતમાં પેટ્રોલ પર 125% અને ડિઝલ પર 100% વેરો વસુલવામાં આવે છે. આ આંકડામાં વેટ ઉપરાંત લેવી નો પણ સમાવેશ થાય છે.
ઇંધણના ભાવવધારાને કારણે લોકોને પ્રત્યેક ચીજમાં મોંઘવારીનો પણ સામનો કરવો પડે છે. જેના કારણે દેશમાં ગરીબોની સંખ્યા વધી રહી છે.