મોંઘવારી પર કાબૂ મેળવવા માટે સરકાર ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ છૂટ આપી શકે છે. 15 ફેબ્રુઆરીના રોજ પ્રકાશિત રોઇટર્સના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. કરમુક્તિ આપવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાનો પહેલો સંકેત રોઇટર્સનો અહેવાલ છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે મોંઘવારી પર કાબૂ મેળવવા માટે સરકાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી શકે છે. ભૂતકાળમાં મોંઘવારી પર અંકુશ મેળવવા માટે આરબીઆઈએ કેન્દ્ર સરકારને આ સલાહ આપી છે. જોકે ફેબ્રુઆરી મહિના માટે ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ જાહેર થયા બાદ જ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે જો કોઈ કપાત થશે તો એ આવતા મહિને જ થશે. રિપોર્ટમાં કેન્દ્રીય બેંક અને સરકારના નજીકનાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે દૂધ, મકાઈ, સોયા ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો પર આયાત ડ્યૂટીમાં પણ ઘટાડો થવાની સંભાવના છે.
16 ફેબ્રુઆરી 2023ના રોજ કેન્દ્ર સરકારે ઓઈલ કંપનીઓ પાસેથી વસૂલવામાં આવતા વધારાના વિન્ડફોલ ટેક્સ ઘટાડવાનો નિર્ણય લીધો છે. અત્યારસુધીમાં પ્રતિ લિટર ડીઝલ પર કંપનીઓ રૂ. 7.50 વિન્ડફોલ ટેક્સ ચૂકવતી હતી, પરંતુ હવે માત્ર 2.50 રૂપિયા જ ચૂકવવા પડશે. આમ, ક્રૂડ ઓઈલ પર પ્રતિ ટન વિન્ડફોલ ટેક્સ 5,050 રૂપિયાથી ઘટાડીને 4,350 રૂપિયા રહેશે.
જાન્યુઆરી 2023માં છૂટક ફુગાવાનો દર 6.52% પર પહોંચ્યો હતો. ઓક્ટોબર પછીના ત્રણ મહિનામાં આ સૌથી વધુ છે. આરબીઆઈએ આ મહિને રિટેલ ફુગાવો વધારીને 6% રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી, પરંતુ આ મર્યાદા તૂટી ગઈ હતી. આ પછી મોંઘવારી પર તાત્કાલિક નિયંત્રણ કરવા માટે રિઝર્વ બેંકે કેન્દ્ર સરકારને ઓઈલ પરની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાની સલાહ આપી છે.