Thursday, January 2, 2025
Homeરાષ્ટ્રીયસરકાર અને વોટ્સએપ: તકરાર શું છે ?

સરકાર અને વોટ્સએપ: તકરાર શું છે ?

સરકારની મંશા અને વોટ્સએપ દ્વારા કરવામાં આવતો બચાવ-બંનેના લેખાંજોખાં વાંચો, અહીં

- Advertisement -

કેન્દ્ર સરકારના નવા આઇટી નિયમોને લઇને સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપએ દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરી છે. વોટ્સએપએ કોર્ટમાં અપીલ કરી છે કે નવા ડિજિટલ નિયમો પર રોક લગાવવામાં આવે કેમ કે તે વોટ્સએપ યૂઝર્સની પ્રાઇવેસી વિરૂદ્ધ છે. કોર્ટમાં વોટ્સએપએ કહ્યું છે કે આ નવો કાયદો બંધારણ વિરૂદ્ધનો છે.

- Advertisement -

વોટ્સએપ દ્વારા દાખલ અરજીમાં દાવો કરાયો છે કે નવા નિયમો અનુસાર અમારે એવા ફીચર ઉમેરવા પડશે કે જેનાથી વોટ્સએપમાં મેસેજ કોણે સૌથી પહેલા લખ્યો કે મોકલ્યો તેની જાણકારી મેળવી શકાય. જો અમે આ ફીચરનો ઉમેરો કરીશું તો વોટ્સએપ યુઝર્સની પ્રાઇવેસી જ ખતમ થઇ જશે જે ભારતના રાઇટ ટુ પ્રાઇવેસી કાયદાનો પણ ભંગ થશે.

આ ઉપરાંત વોટ્સએપની એન્ડ ટુ એન્ડ એનક્રીપ્શન પોલિસી છે તેનો ભંગ થશે. સરકારે જે નવા નિયમો જાહેર કર્યા છે તે મુજબ સોશિયલ મીડિયા સાઇટે જરૂર પડે તો એ જણાવવાનું રહેશે કે સૌથી પહેલા વોટ્સએપ પર જે મેસેજ ફરતા હોય તેને કોણે મોકલ્યા.

- Advertisement -

આ નવા નિયમોની સૌથી વધુ અસર વોટ્સએપ પર જોવા મળી શકે છે કેમ કે વોટ્સએપમાં કોણે સૌથી પહેલા મેસેજ લખી મોકલ્યો હશે તે કહેવું મુશ્કેલ હોય છે અને તેને ગુપ્ત પણ રાખવામા આવે છે. ફેબુ્રઆરીમાં સરકારે આઇટી એક્ટના સુધારાને લાગુ કરી દીધો હતો અને કંપનીઓને તેના અમલ માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો જે પૂર્ણ થઇ ગયો છે.

દેશના નવા આઈટી નિયમનું પાલન કરવાના વોટ્સએપના ઈન્કારને દેશ વિરોધી કૃત્ય ગણાવીને ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે તે પ્રાઈવેસીના હક્કને માન્ય કરે છે પણ તેની સાથે અમુક જવાબદારીનું પણ પાલન કરવાનું હોય છે.

- Advertisement -

કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે ભારત સરકાર તેના તમામ નાગરિકોના રાઈટ ટુ પ્રાઈવેસી પ્રત્યે કટિબદ્ધ છે પણ સાથે જ દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સરકારની જવાબદારી છે. તેમણે ઉમેર્યું કે સરકારે સૂચવેલા પગલાને કારણે વોટ્સએપ અને તેના વપરાશકારો પર કોઈપણ પ્રકારની વિપરીત અસર પડવાની નથી.

કેન્દ્ર સરકારે ફેસબૂકની માલિકીના પ્લેટફોર્મ પર યુઝર પ્રાઈવેસીના નિયમ સામે સવાલ ઉઠાવ્યા હતા. તેણે જણાવ્યું કે એક તરફ વોટ્સએપ એવી પ્રાઈવેસી પોલિસી ઈચ્છે છે જેમાં તે વપરાશકારનો તમામ ડાટા તેની મૂળ કંપની ફેસબૂક સાથે શેર કરશે જેનો ઉપયોગ માર્કેટિંગ અને જાહેરાત માટે થશે. બીજી તરફ વોટ્સએપ દેશમાં ન્યાય અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેના માટે ફેક ન્યુઝ રોકવા સરકારે જારી કરેલી ગાઈડલાઈન્સનો દરેક પગલે વિરોધ કરે છે.

સરકારે પોતાના જવાબમાં એમપણ જણાવ્યું કે વોટ્સએપ પાસે મેસેજના મૂળ સ્રોતને માત્ર તેવા કિસ્સામાં ઓળખી કાઢવાનું કહેવામાં આવ્યું છે જેમાં તે મેસેજથી દેશના સાર્વભૌમ અને એકતાને ખંડિત કરવા જેવું ગંભીર જોખમ ઊભું થતું હોય કે વિદેશો સાથેના સંબંધમાં વિક્ષેપ પડતો હોય અથવા તેમ કરવા માટે અન્યને પ્રેરિત કરાતા હોય અથવા તો બળાત્કાર, જાતીય શોષણ અને બાળકોના જાતીય શોષણનું કનટેન્ટ હોય.

એન્ડ ટુ એન્ડ વિવાદને નિરર્થક ગણાવતા પ્રસાદે જણાવ્યું કે રાઈટ ટુ પ્રાઈવેસી એન્ક્રિપ્શન ટેકનોલોજીના ઉપયોગથી અપાયો હોય કે અન્ય કોઈ ટેકનોલોજીથી અપાયો હોય તે સંપૂર્ણપણે કંપનીની જવાબદારી છે. તેનો ટેકનીકલ ઉકેલ શોધવાની જવાબદારી વોટ્સએપની છે.

આઈટી મંત્રાલયે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે રાઈટ ટુ પ્રાઈવેસી મૂળભૂત અધિકાર છે અને નાગરિકોને તે મળી રહે તેના માટે સરકાર કટિબદ્ધ છે. જો કે તેમણે ઉમેર્યું કે કોઈપણ મૂળભૂત અધિકાર અમર્યાદ નથી અને તે આવશ્યક શરતોને આધીન હોય છે. મંત્રાલયે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે ટ્રેસેબિલિટીનો નિયમ તમામ દેશોમાં અમલમાં છે અને સોશ્યલ મીડિયા કંપનીઓએ આ તમામ દેશોમાં તેને સ્વીકાર્યો છે. ટ્રેસેબિલિટીના નિયમથી રાઈટ ટુ પ્રાઈવેસી સામે કોઈ જોખમ ઊભુ ન થતું હોવાનું મંત્રાલયે જણાવ્યું હતું.

વોટ્સએપ, ફેસબૂક સહિતના સોશિયલ મીડિયાના સહારે સત્તા પર આવેલી એનડીએ સરકાર વિરૂદ્ધ છેલ્લા કેટલાક સમયમાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકાર વિરૂદ્ધની ટીકાઓના પ્રસારના પગલે લોકોનો રોષ વધ્યો છે.

પરિણામે એનડીએ સરકાર સોશિયલ મીડિયા પર નિયંત્રણ મેળવી લોકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ મારવાનો પ્રયાસ કરી રહી છે તેવી ચર્ચાએ સોશિયલ મીડિયામાં જોર પકડયું છે.

ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ, ગુગલ વગેરેના હેડક્વાર્ટર્સ ભારતમાં નથી આવેલા, જેને પગલે ભારતમાં આ સોશિયલ મીડિયા કંપનીઓ સંલગ્ન ફરિયાદો અને તેના નિવારણને લઇને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં કેન્દ્ર સરકારે આ વર્ષે ફેબુ્રઆરી મહિનામાં આઇટી કાયદામાં નિયમો ઉમેર્યા છે. જે મુજબ આ કંપનીઓેએ ભારતમાં નોડલ ઓફિસર, ફરિયાદ નિવારણ અધિકારી વગેરેની નિમણૂક કરવા કહ્યું હતું.

અને સાથે જ સોશિયલ મીડિયા પર જે વીડિયો, ફોટો અને લખાણ શેર થતા હોય તેને સૌથી પહેલા કોણે શેર કર્યા તેની માહિતી આપવાનું પણ ફરજિયાત કરી દીધુ છે. સરકારે કંપનીઓને આ નવા નિયમોના અમલ માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. છેલ્લા કેટલાક સમયમાં સોશિયલ મીડિયા પર સરકાર વિરૂદ્ધ ભારે પ્રચાર થયો છે.

પરિણામે સરકાર નવા નિયમો હેઠળ તેના પર અંકુશ મેળવવા પ્રયાસ કરી રહી છે. કેન્દ્ર સરકારે માત્ર ગંભીર ગુનાઓના સંદર્ભમાં જ મેસેજનો મૂળ સ્રોત આપવાની વાત કરી છે, પરંતુ નવા નિયમોમાં ગંભીર ગૂનાઓ અંગે તેમજ વાંધાજનક માહિતી અંગે કોઈ સ્પષ્ટ પરિભાષા ન હોવાથી લોકો સરકાર વિરૂદ્ધ ટીપ્પણી કરતાં ગભરાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular