જામનગર શહેરના શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા બ્રાસપાર્ટના એક કારખાનામાંથી અને એક ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી કુલ ત્રણ લાખથી વધુની કિંમતના પીતળનો સામાન અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર તથા પીતળનો સામાન ચોરી કરી ગયાના બનાવ બાદ પોલીસે સ્થળ પર પહોંચી જઇ તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલા શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા પ્લોટ નં.355 માં અમન બ્રાસ નામના કારખાનામાં ગત તા.6 ના સાંજથી તા.7 ના સવાર સુધીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને 47 હજારની કિંમતનો પીતળનો 100 કિલોનો છોલ, રૂા.44,100 ની કિંમતના અઢી અઢી ફુટના પીતળના વાયરના તાર અને રૂા.1,54,500 ની કિંમતનો પિતળનો એલ તથા ગેટ આકારનો 300 કિલો વજનનો સામાન મળી કુલ રૂા.2,45,600 ની કિંમતનો સામાન ચોરી કરી ગયા હતાં. આ ચોરીના બનાવ અંગેની કારખાનેદાર આદમભાઈ ખીરા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એચ.બી. હિંગરોજા તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.
તેમજ ઉદ્યોગનગર વિસ્તારમાંથી શેડ નંબર 88/5 માં આવેલા શ્રીરાજ રોડલીંક નામના ટ્રાન્સપોર્ટની ઓફિસમાં પણ તસ્કરો ઘૂસ્યા હતાં અને તસ્કરોએ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી રૂા.30 હજારની કિંમતની પાણીની 10 નંગ ઇલેકટ્રીક મોટર અને રૂા.16,320 ની કિંમતનો પીતળના સામાનનું કાર્ટૂન તથા ઓફિસ અને ગોડાઉનમાં રાખેલું રૂા.15 હજારની કિંમતનું સીસીટીવી કેમેરાનું ડીવીઆર મળી કુલ રૂા.61,320 ની કિંમતનો સામાન ચોરી કરી ગયા હતાં અને સીસીટીવી કેમેરા ચોરી કરતાં સમયે તોડફોડ કરી નુકસાન કર્યુ હતું. આમ એક જ રાતમાં ઉદ્યોગનગરમાંથી એક પીતળના કારખાનામાં અને એક ટ્રાન્સપોર્ટની ઓફિસમાં મળી બે સ્થળોએથી કુલ રૂા.3,06,920 ની કિંમતનો સામાન ચોરી કરી ગયાના બનાવ અંગે ટ્રાન્સપોર્ટર જગદીશભાઈ દામજીભાઈ રાંકના નિવેદનના આધારે ચોરીનો ગુનો નોંધી ભેદ ઉકેલવા માટે ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે તથા આ વિસ્તારમાં રહેલા સીસીટીવી ફુટેજો ચકાસવા તજવીજ હાથ ધરી હતી.