ગુજરાતમાં 1 મેથી 18થી 45 વર્ષની વયના લોકોને પણ વેક્સીન આપવાનું શરુ કરી દેવામાં આવશે. હાલ ગુજરાતમાં 45 વર્ષથી ઉપરના લોકોને વિનામૂલ્યે વેક્સીન આપવામાં આવી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્રારા ઘોષણા કરવામાં આવી છે કે 18થી 45 વર્ષના પણ તમામને વિનામૂલ્યે વેક્સીન આપવામાં આવશે.
રસીકરણની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે ગુજરાત સરકારે વેક્સિન ડોઝ અન્વયે પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી કોવિશિલ્ડ વેક્સિન ના 1 કરોડ ડોઝ તેમજ હૈદરાબાદ ની ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન રસી ના 50 લાખ ડોઝ મેળવવા માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને રસી મેળવવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. પરંતુ 18 થી 45 વર્ષની ઉંમર ધરાવતાં લોકોએ વેક્સીન લેતા અગાઉ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે. સીધા કેન્દ્ર પર જઈને નોંધણી નહી કરાવી શકાય.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યુ હતું કે કે ગુજરાતમાં 6000 જેટલા સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રો મારફતે આરોગ્ય કર્મીઓ, ફ્રન્ટ લાઈન વર્કર્સ અને 45 થી વધુની વયના નાગરિકોના રસીકરણમાં ગુજરાત અગ્રેસર છે. અત્યાર સુધીમાં રાજ્યમાં રાજ્યમાં 1 કરોડ 13 લાખ જેટલા વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે.
અંતે ઉલ્લેખનીય છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ પોતાની કોવીડશિલ્ડ વેક્સીન રાજ્ય સરકારને રૂ.400 પ્રતિ ડોઝ અને ખાનગી હોસ્પિટલોને રૂ.600 પ્રતિ ડોઝ લેખે આપશે. જયારે ભારત બાયોટેક કોવેક્સિન રસી રાજ્ય સરકારને 600માં અને ખાનગી હોસ્પિટલોને રૂ.1200માં આપશે. પંરતુ રાજ્યના સરકારી કેન્દ્રો પર લોકોને વિનામૂલ્યે રસી આપવામાં આવશે.