દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. તેવામાં ભારતીય રેલ્વે દ્રારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે રેલ્વે સેવાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. હવે રેલ્વે દ્રારા શ્રદ્ધાળુઓ માટે ચારધામ યાત્રા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
IRCTC દ્રારા “દેખો અપના દેશ” ચારધામ યાત્રા શરુ કરવામાં આવી છે. 16 દિવસની આ યાત્રા 18 સપ્ટેમ્બર 2021 ના રોજ દિલ્હીના સફદરજંગ રેલ્વે સ્ટેશનથી શરૂ થશે. તેમાં માન ગામ (ચીન સરહદની નજીક), નરસિંહ મંદિર (જોશીમઠ), ઋષિકેશ, જગન્નાથ પુરી,બદરીનાથ, પુરીનો ગોલ્ડન બીચ, કોણાર્ક સુર્યમંદિર, ચંદ્રભાગા બીચ, રામેશ્વરમ, દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ, શિવરાજપુર બીચ અને બેટ દ્વારકાનો સમાવેશ થાય છે. ‘ચારધામ યાત્રા’ વિશેષ ટ્રેન દ્વારા લગભગ 8500 કિમીનું અંતર આવરી લેવામાં આવશે.
‘ચારધામ યાત્રા’ સ્પેશિયલ ટ્રેનની વિશેષતાઓ
ચારધન યાત્રા વિશેષ ટ્રેન સંપૂર્ણ વાતાનુકુલિત રહેશે. તેમાં એસીની સુવિધા હશે આ ટ્રેનમાં બે ડાઇનિંગ રેસ્ટોરન્ટ્સ, એક આધુનિક કિચન, કોચમાં શાવર ક્યુબિકલ, સેન્સર આધારિત વોશરૂમ ફંકશન્સ,, ફુટ મસાજર સહીતની અનેક સુવિધાઓ હશે. ટ્રેનમાં દરેક કોચ માટે સીસીટીવી કેમેરા અને સુરક્ષા ગાર્ડની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. ટ્રેનની ટિકિટની વાત કરવામાં આવે તો પ્રતિ વ્યક્તિ 78,585 રૂપિયા છે. આ પેકેજમાં એસી કોચ, ડીલક્સ હોટલોમાં રહેવાની સગવડ, ભોજન, પરિવહન અને ડુંગરાળ વિસ્તાર સિવાય એસી ટ્રેનોમાં ફરવા માટેની સુવિધાઓ, પ્રવાસન વીમો પણ આવરી લેવામાં આવે છે.
કોવિડ-19ને કારણે 156 પ્રવાસીઓની ક્ષમતાવાળી આ ટ્રેનમાં 120 પ્રવાસીઓ જ બુકિંગ કરાવી શકશે. મુસાફરી કરનાર 18 વર્ષની ઉંમરના લોકોએ ફરજીયાત વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે.