જામનગર તાલુકાના ધુતારપર ગામમાં આવેલા પટેલ પરિવારના સતીમાના મંદિરમાંથી કોઇ અજાણ્યા તસ્કરોએ રાત્રિના ચાર કલાકના સમય દરમ્યાન રૂા. 1.40 લાખના ચાંદીના છત્તર અને રૂા. 10 હજારન રોકડ સહિતની ચોરીના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મોણવેલ ગામના વતની અને હાલ સુરતમાં રહેતાં નરેશભાઇ પરસોત્તમભાઇ ખીચડિયા (ઉ.વ.42) નામના વેપારી યુવાનના કુટુંબના સતીમાનું મંદિર જામનગર તાલુકાના ધુતારપર ગામમાં આવેલું છે. આ મંદિરમાંથી ગત્ તા. 12ના રોજ રાત્રિના એક વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધીના ચાર કલાકના સમય દરમ્યાન અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને મંદિરમાં પ્રવેશ કરી 700 ગ્રામ વજનના ચાંદીના બે છત્તર તથા એક કિલો 250 ગ્રામ વજનનું એક છત્તર તથા 400 ગ્રામ વજનના બે છત્તર મળી કુલ રૂા. 1,40,000ની કિંમતના ચાંદીના છત્તર તથા ચાર ગ્રામ વજનની રૂા. 10 હજારની કિંમતની સોનાની આંખો, દાનપેટીમાં રહેલી રોકડ રકમ સહિતની માલમત્તા ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગેની નરેશભાઇ દ્વારા જાણ કરાતા પીઆઇ એમ. એન. શેખ તથા સ્ટાફએ અજાણ્યા તસ્કરો વિરૂઘ્ધ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


