ગુજરાતમાં પ્રત્યેક ગરીબ કોરોના દર્દીને વિનામૂલ્યે સારવાર આપવી જોઇએ. આ ઉપરાંત મહાનગરપાલિકાઓએ જે ખાનગી હોસ્પિટલોને કોરોના સારવાર માટે મંજૂરી આપી છે. તે હોસ્પિટલોમાં નગરજનો માટે મહાનગરપાલિકાની 50% પથારીઓ અનામત રાખવી જોઇએ. એવી માંગણી સાથેની જાહેરહિતની અરજી ગઇકાલે મંગળવારે વડીઅદાલતમાં દાખલ થઇ છે.
વડી અદાલતમાં થયેલી આ અરજીના અનુસંધાને અદાલતે અમદાવાદ મહાનગરપાલિકા અને ગુજરાત સરકારને નોટીસ મોકલાવી જવાબ રજૂ કરવા કહ્યું છે. આ જાહેરહિતની અરજી મૂખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથ અને ન્યાયમૂર્તિ ભાર્ગવ કારીઆ સમક્ષ રજૂ થઇ હતી. અદાલતે સરકાર અને મહાનગરપાલિકા પાસેથી 15 દિવસમાં જવાબ માંગ્યો છે. આ અરજી અમદાવાદના જમાલપૂરના પૂર્વ ધારાસભ્ય સબીર કાબલીવાલાએ કરી છે.
અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, રાજય સરકારની પોલીસી હેઠળ ખાનગી હોસ્પિટલોમાં જેતે મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતાં નગરજનો માટે 50% પથારીઓ અનામત રાખી જે કોરોના દર્દીઓને સારવાર આપવામાં આવતી હોય તેે દર્દીઓનો સારવારનો ખર્ચ મહાનગરપાલિકાએ ઉઠાવવો જોઇએ. અત્રે નોંધનીય છે કે, અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં 20% પથારીઓ અમદાવાદ મહાનગરપાલિકા માટે અનામત રાખવામાં આવી છે. આ પ્રમાણ વધારીને 50% કરવાની માંગણી અરજીમાં થઇ છે.