જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતી યુવતીએ 11 દિવસ પહેલાં તેના ઘરે અગમ્યકારણોસર ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ કરતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર તાલુકાના વાવ બેરાજા ગામમાં રહેતાં વૃધ્ધા તેના ઘરે બેશુદ્ધ થઈ જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં નવાગામ ઘેડ બાપુનગર વિસ્તારમાં રહેતાં યોગીતાબા અજીતસિંહ રાઠોડ (ઉ.વ.30) નામની યુવતીએ ગત તા.3 ના રોજ સવારના સમયે એસ.ટી. રોડ પર અગમ્યકારણોસર કોઇ ઝેરી પ્રવાહી પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવતીને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે જયરાજસિંહ સોલંકી દ્વારા જાણ કરાતા હેકો આર.ડી. ગાંભવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના વાવ બેરાજા ગામમાં રહેતાં જનકબેન જટુભા જાડેજા (ઉ.વ.60) નામના વૃધ્ધા ગત તા.9 ના રોજ રાત્રિના સમયે તેના ઘરે અચાનક બેશુદ્ધ થઈ જતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન બુધવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર દિગ્વીજયસિંહ દ્વારા જાણ કરાતા હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી આરંભી હતી.