જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતી કાલાવડ પંથકની યુવતી સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેતા શખ્સે ખોટી શંકા કરી ગાળો કાઢી પટ્ટા, ધોકા અને છરી વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ બનાવ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામની વતની અને હાલ પટેલ કોલોનીમાં કસ્તુરબા સ્ત્રી વિકાગગૃહમાં રહેતી ક્રિષ્નાબેન (ઉ.વ.21) નામની યુવતી જામનગરના વામ્બે આવાસ ત્રણ માળિયાના મકાન નંબર 13માં રહેતા વિજય કરશન કુકડિયા નામના શખ્સ સામે છેલ્લા દોઢ માસથી લીવ ઇન રિલેશનશીપમાં રહેતી હતી. તે દરમ્યાન વિજયએ યુવતી ઉપર ખોટી શંકાઓ કરી ગત્ તા. 23ના રોજ સાંજના સમયે તેના ઘરે જેમ ફાવે તેમ ગાળો કાઢી યુવતને પટ્ટા અને ધોકા વડે માર મારી ઇજા પહોંચાડી હતી. તેમજ પગમાં છરી વડે છરકો કરી શરીરે તથા માથામાં ઇજા કર્યાના બનાવમાં ઘવાયેલી યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગેની જાણ કરાતા શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી યુવતીના નિવેદનના આધારે એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


