કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાં રહેતા ભરવાડ યુવકની એક વર્ષની પુત્રી તેના ફળિયામાં રમતી હતી ત્યારે ભૂગર્ભના પાણીના ટાંકામાં પડી જતા બેશુધ્ધ થઈ જવાથી મોત નિપજ્યું હતું. જામજોધપુરમાં સિધ્ધેશ્ર્વર મંદિર પાછળ આવેલા ભુપાર ડેમમાં ન્હાવા પડેલા યુવાનનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા રાહુલ બુટાભાઈ ગમારા (ઉ.વ.21) નામના ભરવાડ યુવકની પુત્રી ધાર્મીબેન ગમારા (ઉ.વ.1) નામની માસુમ બાળકી ગત તા.23 ના રોજ સાંજના સમયે તેના ઘરના ફળિયામાં રમતા રમતા ભૂગર્ભ પાણીના ટાંકામાં પડી જતાં બેશુધ્ધ થઈ જવાથી સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હેકો જી.આઈ. જેઠવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામજોધપુર ગામમાં આવેલા સ્ટેશન પ્લોટમાં રહેતાં કમલેશ ઉર્ફે મુનો ઓધણભાઈ જતાપરા (ઉ.વ.40) નામનો મજૂરી કામ અને ડ્રાઈવિંગ કરતો યુવાન ગુરૂવારે રાત્રિના સમયે સિધ્ધેશ્ર્વર મંદિર પાછળ આવેલા ભૂપાર ડેમમાં ન્હાવા પડયો હતો. તે દરમિયાન ઉંડા પાણીમાં ગરક થઈ જતાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આ અંગેની મૃતકના પ્રકાશ દ્વારા જાણ કરાતા હેકો આર.એચ. કરમુર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.