જામનગર તાલુકાના સસોઇ ડેમમાંથી રવિવારે સવારના સમયે અજાણી યુવતીનો મૃતદેહ સાંપડયાના બનાવમાં યુવતીનું તેની કમરે વાયરથી ઈંટો બાંધી પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યાના તારણના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરથી 18 કિ.મી. દૂર આવેલા સસોઇ ડેમમાં કોઇ મૃતદેહ હોવાની સુખદેવસિંહ જાડેજા દ્વારા કરાયેલી જાણના આધારે ફાયર ટીમે રવિવારે સવારના સમયે સ્થળ પર પહોંચી જઇ આશરે 22 થી 25 વર્ષની યુવતીનો મૃતદેહ બહાર કાઢયો હતો અને પોલીસને સોંપી આપ્યો હતો. જેના આધારે એએસઆઈ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરતા મૃતક યુવતીની કમરે વાયરથી બાંધેલી ઈંટોના કારણે ડેમમાં પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. પોલીસે મૃતક યુવતીની ઓળખ મેળવવા માટે આજુબાજુના વિસ્તારોમાં તેમજ જિલ્લામાં ગુમ થયેલ યુવતીની વિગતો મેળવી તપાસ હાથ ધરી અને મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


