જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સિક્કા નજીકથી પસાર થતાં ચાલકએ તેની કાર પુરઝડપે અને બેફિકરાઇથી ચલાવતા ઇલેકટ્રીક થાંભલા સાથે અથડાઇને કાર પલટી ખાઇ જતાં ચાલક અને તેની પુત્રીને ગંભીર ઇજા પહોંચતા યુવતીનું મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતાં દેવરાજભાઇ જીવાભાઇ ભાગવત (ઉ.વ.49) નામના યુવાન ગત્ શનિવારે મદ્યરાત્રિના સમયે તેની જીજે10 એસી 5337 નંબરની કારમાં તેની પુત્રી વિજયાબેન સાથે જતા હતા. તે સમયે કાર પુરપાટ અને બેફિકરાઇથી ચલાવતા જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર પાર્કવૂડ સોસાયટીની સામે પહોંચ્યા ત્યારે ચાલકે રોડની સાઇડમાં આવેલા ઇલેકટ્રીક થાંભલા સાથે કાર અથડાતા પલટી ખાઇ જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારચાલક દેવરાજભાઇને સામાન્ય ઇજા પહોંચી હતી. જ્યારે તેની પુત્રી વિજયાબેન ભાગવત (ઉ.વ. 19)ને શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. આ બનાવ અંગેેની મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હે.કો. બી. જી. ઝાલા પોતાના સ્ટાફ સાથે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


