જામનગરના વાલસુરા રોડ ઉપરથી પસાર થતી કારના ચાલકએ સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવી દેતાં કારમાં બેસેલી યુવતી બહાર ફંગોળાઇ જતાં શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. જ્યારે ચાલકને સામાન્ય ઇજા થઇ હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ ઓડિશાના ગંજામ જિલ્લાના બ્રહ્માપુર સદરના વતની અને હાલ જામનગરના આઇએનએસ વાલસુરામાં ઓફિસર મેશ ટી બ્લોકમાં રહેતા સોમ્યારંજન ક્રિષ્નાચંદ્ર શાહુ (ઉ.વ.23) તથા અંશુ કિશનસિંહ (ઉ.વ.22) નામના બન્ને વ્યક્તિઓ પૂનાથી તાલીમ પૂર્ણ કરી પરત ફરતા હતા ત્યારે તેમની ડીએલ10 સીકે 5416 નંબરની કારમાં જામનગર એરપોર્ટથી આઇએનએસ વાલસુરા તરફ જતા હતા ત્યારે રવિવારે સવારના સમયે વાલસુરાના મેઇન ગેટથી એક કિલોમીટર દૂર પહોંચ્યા ત્યારે કારના ચાલક અનુવ્રત પાંડેએ કાર બેફિકરાઇથી ચલાવી સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવી દેતાં કાર પલ્ટી ખાઇ ગઇ હતી. જેના કારણે કારમાં સવાર અંશુબેન નામની યુવતી કારમાંથી ફંગોળાઇની બહાર રોડ પર પટકાતાં શરીરે તેમજ માથામાં ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ યુવતીનું મોત નિપજયું હતું. જ્યારે સોમ્યારંજન તથા અનુવ્રત પાંડેને સામાન્ય ઇજા પહોંચી હતી. ત્યારબાદ અકસ્માત અંગેની સોમ્યારંજન દ્વારા જાણ કરાતા પીએસઆઇ વી. એસ. પોપટ તથા સ્ટાફ દ્વારા કારચાલક વિરૂઘ્ધ ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી હતી.


