જામનગર શહેરના સોનગનગર હનુમાનટેકરી વિસ્તારમાં રહેતી યુવતીએ તેણીના ઘરે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતો યુવાન નિંદ્રાધિન થયા બાદ નહીં ઉઠતા હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના હનુમાનટેકરી પાસેના સોનલનગરમાં મેલડી માતાજીના મંદિર સામેની શેરીમાં રહેતા કાંતિભાઈ સોલંકી નામના પ્રૌઢની પુત્રી પ્રેમીલાબેન સોલંકી (ઉ.વ.19) નામની સુથારી કામ કરતી યુવતીએ બુધવારે બપોરના સમયે તેના ઘરે કોઇ કારણસર રૂમના પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની મૃતકના ભાઈ પ્રદિપ દ્વારા જાણ કરાતા એએસઆઈ ડી જે જોશી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રાધાકૃષ્ણ મંદિરવાળી શેરીમાં રહેતા અજયકુમાર વિશ્ર્વનાથ પાંડે (ઉ.વ.42) નામનો મંગળવારે રાત્રીના જમીને નિંદ્રાધિન થયા બાદ બુધવારે સવારે નહીં ઉઠતા બેશુદ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની ધર્મેન્દ્રકુમાર દુબે દ્વારા જાણ કરાતા હેકો વી સી જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.