જોડિયા તાલુકાના બેરાજા ગામમાં રહેતાં યુવાનની પુત્રીએ અગમ્યકારણોસર તેના ઘરે ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. કાલાવડ તાલુકાના જામવાડી ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા પરિવારની તરૂણીએ કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ, જોડિયા તાલુકાના બેરાજા ગામમાં રહેતાં અશોકસિંહ રામસંગ પરમાર નામના વેપારી યુવાનની પુત્રી ઋતિકાબા પરમાર (ઉ.વ.19) નામની યુવતીએ શનિવારે સવારના સમયે તેણીના ઘરે ચુંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવની જાણ મૃતકના પિતા અશોકસિંહ દ્વારા કરવામાં આવતા હેકો એન.વી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.
બીજો બનાવ, કાલાવડ તાલુકાના જામવાડી ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં મજુરી કામ કરતી સજનબેન મગનભાઇ પચાયા (ઉ.વ.16) નામની તરૂણીએ ગત તા.8 ડિસેમ્બરના રોજ સવારના સમયે તેના ખેતરે કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તરૂણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું તા.17 ના રોજ મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા મગનભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.વી. છૈયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.