જામનગર તાલુકાના મિયાત્રા ગામમાં વાડી વિસ્તારમાં રહેતી યુવતીએ તેણીના ઘરે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતાં વૃધ્ધાએ તેના ઘુંટણના દુ:ખાવાથી કંટાળી જઈ ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના મિયાત્રા ગામના વાડી વિસ્તારમાં રહેતાં ખોડાભાઈ કરમુરની પુત્રી પિન્ટુબેન કરમુર (ઉ.વ.22) નામની યુવતીએ ગત બુધવારે વહેલીસવારના સમયે તેણીના ઘરે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ લાલાભાઈ દ્વારા જાણ કરાતા હેકો ટી.બી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.
બીજો બનાવ કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતાં લાભુબેન બાબુભાઈ શિંગાડા (ઉ.વ.70) નામના પટેલ વૃધ્ધાને પગમાં કળતર અને ઘૂંટણના દુ:ખાવાની સારવાર કરાવવા છતાં તબિયતમાં સુધારો થતો ન હતો. જેથી જિંદગીથી કંટાળીને શુક્રવારે સાંજના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પતિ બાબુભાઈ શિંગાડા દ્વારા જાણ કરવામાં આવતા હેકો જી.આઈ. જેઠવા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.


