આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં માત્ર 3 એજન્ડા સાથે યોજાયેલી જામ્યુકોની સામાન્ય સભામાં કેનાલના ભ્રષ્ટાચાર, જમીન વેચાણ તેમજ વોટર વર્કસ અધિકારીનું કોન્ટ્રાકટ બેઇઝ પર મુદત વધારી આપવાના મુદે વિપક્ષી સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષોના હોબાળા વચ્ચે ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામેલાં સફાઇ કામદારોના વારસદારોને રહેમરાહે નોકરી આપવા અથવા તો વળતર ચૂકવવા અંગેની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. જયારે સેક્રેટરી તરીકે અશોકભાઇ પરમારનો કાર્યકાળ વધુ છ મહિના લંબાવવામાં આવ્યો હતો.
મેયર બિનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામનગર મહાપાલિકાની સામાન્ય સભામાં ટીપી સ્કીમની જમીન વેચાણ તથા રોટરી કલબને પાર્કિંગ અવનેસ માટે જગ્યા ફાળવવાના માત્ર બે એજન્ડા સાથે કાર્યવાહીનો પ્રારંભ થયો હતો. એજન્ડા રજૂ થતાં વિપક્ષી સભ્યોએ ટીપી સ્કીમની જમીન ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયાને વેચાણથી આપવા અંગેનો મુદો ઉઠાવ્યો હતો. વિપક્ષી સભ્ય જેનબબેન ખફીએ આ મામલે ગેરરીતિનો આક્ષેપ કર્યો હતો જેને સત્તાપક્ષ દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો તેમજ જમીનનું વેચાણ સંપૂર્ણપણે નિયમોને આધિન બજારભાવ પ્રમાણે કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ વોર્ડ નંબર-4ના વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણીયાએ કિર્તી પાન પાસેની કેનાલના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો.
આ ઉપરાંત વોટર વર્કસ શાખામાં નાયબ ઇજનેર પદેથી નિવૃત્ત થયેલાં પીસી બોખાણીને ફરીથી કોન્ટ્રાકટ બેઇઝ પર નિમણુંક આપવામાં આવી હતી. જેની મુદૃત પૂર્ણ થતાં તેમાં ફરીથી એક વર્ષનો વધારો કરવા સ્ટેન્ડીંગમાં કરાયેલા ઠરાવનો વિપક્ષી સભ્યો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં વોટર વકર્સના કરોડોના અને અત્યંત મહત્વના કામોને કોન્ટ્રાકટ આધારિત કર્મચારીના હવાલે કરી શકાય નહીં.જવાબદારી ભર્યું કામ કાયમી જવાબદાર કર્મચારીન સોંપાવું જોઇએ. આમેય બોખણીનો ટ્રેક રેકોર્ડ સારો રહ્યો ન હોવાનો આક્ષેપ પણ કરાયો હતો. જે સામે કમિશનરે જણાવ્યું હતું કે, હાલ તૂર્ત બોખાણીની કોન્ટ્રાકટની મુદત પૂર્ણ થતાં તેમને છૂટા કરી દેવામાં આવ્યા છે. જયારે મુદત વધારાની દરખાસ્તને રાજય સરકારની મંજુરી માટે મોકલવામાં આવશે. મંજુરી મળ્યા બાદ જ તેમને નિમણુંક આપવામાં આવશે. હાલ તેમની સેવાઓ લેવામાં આવતી નથી.